
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા 50થી વધુ ગેરકાયદેસર કતલખાના (સ્લોટિંગ યુનિટ) સામે કડક કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 31મી ડિસેમ્બરે પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ એકમોને સીલ કરવામાં આવશે.
શહેરના ખાટકી વાડો, બુકડી તેમજ રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના મધ્ય ભાગોમાં આવા બિનઅધિકૃત યુનિટ કાર્યરત છે. અગાઉ વેપારીઓને યુનિટ અન્ય સ્થળે ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ તેનો અમલ ન થતાં નગરપાલિકાએ માંસ-મટન વેચતી દુકાનોને સીલ કરવાની નોટિસ ફટકારી છે.
આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમોના ઉલ્લંઘન અને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ PIના આદેશના અનુસંધાને કરવામાં આવી રહી છે. ઘણા યુનિટ પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવા સાથે GPCBના નોર્મ્સનું પણ પાલન થતું નથી.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ આવા તમામ બિનઅધિકૃત સ્લોટર યુનિટ બંધ કરાવવામાં આવશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં થયેલી રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સીલિંગની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે પૂર્ણ કરાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ