
જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જામનગરમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત ત્રી-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, જે.એમ.સી.ગ્રાઉન્ડમાં તા.૨૨-૨૩-૨૪ ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ ૧૦૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેની મંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે.
ગુજરાત સરકારે હંમેશા મહિલાઓને સમાજના કેન્દ્રસ્થાને રાખી વિકાસની નીતિઓ ઘડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે “બેટી બચાવો, બેટી પઢાવો”, “મુખ્યનમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”, “મિશન મંગલમ”, “સખી મંડળ”, “નારી ગૌરવ દિવસ” જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સશક્ત બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે.
સશક્ત નારી મેળો મહિલા સ્વસહાય જૂથો, ગ્રામ્ય અને શહેરી મહિલાઓ, કારીગર બહેનો અને મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા, કુશળતા અને સર્જનશીલતાને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. અહીં બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘરઉદ્યોગના વિવિધ પદાર્થો, ખાદ્ય ઉત્પાદનો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારો એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી.
જ્યારે મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે પરિવારનું આર્થિક સંબળ વધે છે, બાળકોનું ભવિષ્ય સુદૃઢ બને છે અને સમાજમાં સમાનતા અને પ્રગતિનો માર્ગ સુગમ બને છે. સશક્ત નારી મેળા જેવા કાર્યક્રમો બહેનોમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાની પ્રેરણા આપે છે. સરકાર બહેનોને તાલીમ, નાણાકીય સહાય, માર્કેટિંગ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt