મિશ્ર ઋતુના લીધે જામનગર શહેરમાં રોગચાળો વઘ્યો: કમળાના પાંચ દર્દી, તાવના 190 કેસ
જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુને કારણે રોગચાળાએ ગતિ પકડી છે, ખાસ કરીને કમળાના ૫ દર્દીઓ નોંધાયા છે, જી.જી.હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના ૧૧૦ અને ખાનગી હોસ્પિટલમાં ૮૦થી વધુ દર્દીઓ હોવાનું ખુલ્યું છે, શહેરના દ
હોસ્પિટલમાં દર્દીઓની કતાર


જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુને કારણે રોગચાળાએ ગતિ પકડી છે, ખાસ કરીને કમળાના ૫ દર્દીઓ નોંધાયા છે, જી.જી.હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના ૧૧૦ અને ખાનગી હોસ્પિટલમાં ૮૦થી વધુ દર્દીઓ હોવાનું ખુલ્યું છે, શહેરના દવાખાનાની ઓપીડીમાં ખુબ જ વધારો થયો છે, આજે સવારે જી.જી.હોસ્પિટલમાં તપાસ કરતા ઓપીડીમાં દર્દીઓની ભારે લાઇન લાગી હતી અને તાવને કારણે ૮ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં આજે તાવ, શરદી, ઉધરસના દર્દીઓ દવા લેવા આવ્યા હતાં જેમાં ૧૧૦થી વધુ દર્દીઓને તાવ હોવાનું ખુલ્યું હતું, ઉપરાંત ૮ દર્દીઓને ગઇકાલે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ખાનગી હોસ્પિટલમાં પણ જામનગર શહેર અને ગામડામાંથી દર્દીઓ દાખલ થઇ રહ્યા છે, બપોરના ૧૧ થી ૫ ગરમી તેમજ સવાર-સાંજ ઠંડીનો માહોલ જોવા મળે છે, તેના કારણે કફ, પીત અને શરદીના દર્દીઓ વધી ગયા છે.

ડોકટરોના જણાવ્યા મુજબ ગરમ પાણી, હળદર, આદ, મધ લેવાથી શરદી, ઉધરસમાં સારી એવી રાહત થાય છે, એક તરફ જામનગર શહેરમાં કમળાથી મોત થઇ ચૂકયું છે જયારે બીજી તરફ કમળાના ૩ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે, જયારે ગામડાઓમાં પણ તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન હસ્તકના ૧૨ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પણ સામાન્ય કરતા ૨૫ ટકા જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસના જોવા મળ્યા છે. આ તમામને શીરપ અને શરદીની દવાઓ આપવામાં આવે છે.

આગામી દિવસોમાં પણ ઠંડી વધુ પડવાની પણ શકયતા છે ત્યારે તાવ, શરદી, ઉધરસના કેસો વધશે તેમ મનાય છે અને ડોકટરોના કહેવા મુજબ સવાર અને સાંજ હુંફાળુ ગરમ પાણી પીતા રહેવું જોઇએ જેના કારણે આ પ્રકારના કેસોમાં થોડો ઘણો ઘટાડો થાય. આમ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ ફરીથી માથુ ઉંચકયું છે. લાખાબાવળ, અલીયાબાડા, નવા નાગના, વિજરખી, થાવરીયા, સિકકા સહિતના ગામોમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધતા રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે. આમ રોગચાળો વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ રોગચાળો નાથવા માટે કોઇ ઠોસ કદમ લેવાય તે જરૂરી છે.

છેલ્લા કેટલાક સમયથી કમળાના કેસો પણ વઘ્યા છે, જી.જી.હોસ્પિટલમાં ૩ અને ખાનગી હોસ્પિટલમાં કમળાના ૨ કેસ નોંધાયા છે જેમાં ખાનગી હોસ્પિટલમાં એક મહીલા દર્દી ગામડાના હોવાનું જાણવા મળ્યું છે. કમળો પણ દિન-પ્રતિદિન વધતો જાય છે તે ચિંતાજનક છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande