
જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) જામનગરના જાણીતા બિલ્ડર અને તેમના પુત્રની બદનક્ષી થાય તે રીતે ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામમાં આઈડી ધરાવતા શખ્સે લખાણ લખી બે વ્યક્તિને મેસેજમાં ગાળો ભાંડી ઘરમાંથી કાઢીને મારવાની ધમકી પણ આપતા બિલ્ડરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તે જ રીતે જામનગર ગ્રામ્યના ધારાસભ્યએ પણ પોતાની બદનક્ષી થાય તે રીતનું લખાણ લખી અને બોલીને ફોટા ઈન્ટેલીજન્સ આર્ટીફીશીયલની મદદથી એડીટીંગ કરી ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યાની ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે બંને ગુન્હા નોંધી તપાસ આદરી છે.
જામનગરમાં બિલ્ડર તરીકે કામ કરતા અને ઓશવાળ કોલોની પાસે આર્યન બંગ્લોઝમાં રહેતા મૂળ જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામના જમન શામજીભાઈ ફળદુ નામના આસામીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોતાના વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર અલગ અલગ વિડીયો તથા ફોટા બનાવી લખાણ લખી વાયરલ કરવા અંગે તથા પોતાના પુત્ર જસ્મીનની પણ બદનક્ષી થાય તે રીતે કૃત્ય કરવા અંગે ફેસબુકમાં તેમજ ઈન્સ્ટાગ્રામમાં આઈડી ધરાવતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ વિશાલ કણસાગરા નામનું ફેસબુક આઈડી ધરાવતા શખ્સ અને ઈન્સ્ટાગ્રામમાં વી. કણસાગરા ૭૭ નામનું આઈડી ચલાવતા શખ્સે જગદીશ ઓધવજી તથા નરશી પ્રાગજીભાઈને ગાળો ભાંડી મેસેજમાં ઘરમાંથી કાઢીને મારવાની ધમકી પણ આપી હતી.
ઉપરોક્ત બંને આઈડી ધરાવતા વ્યક્તિએ જમનભાઈ કે તેમના પુત્ર જસ્મીનની જાણ બહાર અને નાણા પડાવવાના ઈરાદાથી તેઓની મંજૂરી વગર જ ફોટાની ચોરી કરી એઆઈનો ઉપયોગ કરી એડીટીંગ કર્યા પછી વિકૃત ફોટોગ્રાફ બનાવી વીડિયો, ફોટા રજૂ કરી બદનક્ષી થાય તેવું કૃત્ય કર્યું છે. સાયબર પોલીસે બીએનએસ તથા આઈટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર-77 (ગ્રામ્ય)ના ધારાસભ્ય અને ધ્રોલની પંચવટી સોસાયટીમાં રહેતા પૂર્વ મંત્રી રાઘવજી હંસરાજભાઈ પટેલે પણ આવી જ ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ફેસબુકમાં વિશાલ કણસાગરા તથા ઈન્સ્ટાગ્રામમાં વી. કણસાગરા 77 નામની આઈડી ચલાવતા શખ્સે રાઘવજીભાઈના ફોટા પર એઆઈથી એડીટીંગ કરી, ઈલેકટ્રોનિક રેકર્ડ બનાવી વીડિયો તથા ફોટા બનાવી રાઘવજીભાઈ બદનામ થાય તે પ્રકારનંુ લખાણ લખી અને બોલીને પોતાના આઈડીમાંથી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે.
સાયબર ક્રાઈમ પોલીસે બીએનએસ તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને પીઆઈ આઈ.એ.ધાસુરાએ તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત બંને ફરિયાદના પગલે ખળભળાટ મચ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt