
ગીર સોમનાથ, 22 ડિસેમ્બર (હિ.સ.) : કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી મહિલાશક્તિને આત્મનિર્ભરતાની નવી પાંખો આવી છે. ‘ડ્રોન દીદી’ જેવી યોજનાઓ થકી આકાશે ઉડતા ડ્રોન સાથે મહિલાઓની મહેનત અને સપનાઓને પણ એક નવી ઉડાન મળી છે. મહિલાઓને રાષ્ટ્ર વિકાસનું અભિન્ન અંગ બનાવી ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાની દિશા તરફ ગતિ કરતા ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સુંદરપરા ગામના રહેવાસી હેતલબહેન મેણસીભાઈ વાળા પણ આવા જ એક ડ્રોન દીદી છે. જેમણે ‘ડ્રોન દીદી’ તરીકેની તાલીમ મેળવી અને હવે મહિને રૂ. ૨૫૦૦૦ થી લઈ અને ૩૦.૦૦૦ સુધીની કમાણી કરી સશક્ત અને સાચા અર્થમાં આત્મનિર્ભર બન્યાં છે.
ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ ડ્રોન દીદી તરીકેની ઓળખ મેળવનાર હેતલબહેન વાળાએ જણાવ્યું હતું કે, મેં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યો છે અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી હું કમાણી કરવા માટેના રસ્તાઓ શોધતી હતી. મને મનમાં હંમેશા એવું થતું કે હું પણ કંઈક કમાણી કરૂ અને આત્મનિર્ભર બનું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મને પણ એમ થતું કે પરિવારની મદદ કરૂં. પછી મને એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત હું ચામુંડા સ્વસહાય જૂથ મંડળમાં જોડાઈ અને પહેલા મે રોપા વેચવાથી શરૂઆત કરી હતી. ત્યાંથી શરૂઆત થઈ અને પછી મારી પસંદગી ડ્રોન દીદી તરીકે કરવામાં આવી.
આ પસંદગી થતાં જ બરોડા ખાતે એગ્રીકલ્ચર ડ્રોનની દસ દિવસની તાલિમ આપવામાં આવી હતી. પહેલા તો મને એમ થતું હતું કે, મને સાઈકલ ચલાવતા પણ આવડતી નથી અને હું ડ્રોન કઈ રીતે ચલાવી શકીશ? પણ મને ટ્રેનિંગથી ખૂબ ફાયદો થયો. જેથી ગીર સોમનાથ જિલ્લાની પ્રથમ ડ્રોનદીદી બની છું. હવે હું મહિને ૨૫ થી ૩૦.૦૦૦ રૂપિયા સુધીની કમાણી કરી શકું છું. એમ કહી તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અન્ય મહિલાઓને પ્રેરણાત્મક સંદેશો આપતા હેતલબહેને જણાવ્યું હતું કે, મારા અનુભવ પરથી હું કહું છું કે, કોઈપણ કાર્ય અશક્ય નથી. મહેનત અને લગનથી કોઈપણ કાર્ય શક્ય બની શકે છે. મહિલાઓ સરકારની અલગ-અલગ યોજનાઓનો લાભ લે અને કૌશલ્ય કેળવે અને જીવનમાં આગળ વધે. પોતાને આત્મનિર્ભર બની અને પગભર બનાવવા બદલ હેતલબહેને રાજ્ય સરકારનો તેમજ એન.આર.એલ.એમ. અંતર્ગત જોડાયેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ કહી શકાય કે, રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા મહિલાઓને આવક ઉપરાંત સમાજમાં એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી સાચા અર્થમાં મહિલા સશક્તીકરણનો પરિચય મળી રહ્યો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ