
- અમેરિકા સહિત 7 દેશમાંથી યુવા બિઝનેસમેન ભાગ લેશે.
અમદાવાદ, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદમાં 28 ડિસેમ્બરના રોજ સમસ્ત પાટીદાર સમાજ યુવા બિઝનેસ મહાસંમેલન વિશ્વ ઉમિયાધામમાં અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્ય સત્ર યોજાશે.
વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં જોડાશે.
પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે.
આ યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. 28 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું મુખ્ય સત્ર યોજાશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પાટીદાર સમાજના અનેક મંત્રીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
મહાસંમેલનમાં અમેરિકા સહિત કુલ 7 દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે. સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલન એક વિશાળ અને ઐતિહાસિક કાર્યક્રમ બનાવશે. વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનાર આ યુવા બિઝનેસ મહાસંમેલનથી પાટીદાર સમાજના યુવાનોને વૈશ્વિક સ્તરે વ્યવસાયની નવી દિશાઓ અંગે માર્ગદર્શન મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ