
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.)ઐતિહાસિક પાટણથી સિદ્ધપુર સુધી લુપ્ત સરસ્વતી નદીના પ્રાચીન અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે પ્રથમ વખત વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. વસંત પંચમીના પાવન અવસરે 23 જાન્યુઆરીના રોજ યોજાનારી આ પરિક્રમામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાની અપેક્ષા છે.
પ્રાચીન સમયમાં સરસ્વતી નદી પાટણ અને સિદ્ધપુરની ધરતી પર વહેતી હતી અને તેના કિનારે અનેક આશ્રમો તથા વિદ્યાકીય કેન્દ્રો વિકસ્યા હતા. ઋષિમુનિઓ અને સાધુ-સંતોની તપસ્યાથી આ વિસ્તાર પવિત્ર બન્યો હતો. ભૌગોલિક ફેરફારોને કારણે નદી ભૂગર્ભમાં સમાઈ ગઈ હોવાનું માનવામાં આવે છે, છતાં લોકઆસ્થામાં તેનું અસ્તિત્વ આજે પણ જીવંત છે.
લોકોમાં સરસ્વતી નદીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે ફરી જાગૃતિ આવે તે હેતુથી આ પરિક્રમાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નદીને માત્ર જળસ્ત્રોત નહીં પરંતુ સંસ્કૃતિ અને ચેતનાના પ્રતીક તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે, અને 23 જાન્યુઆરીના રોજ યોજાનારી આ પરિક્રમામાં સર્વે શ્રદ્ધાળુઓને જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ