
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) પાટણ શહેરના પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાં એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી હતી. જાણ થતા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી અને બાળકી મૃત હોવાનું પુષ્ટિ થયું હતું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રારંભિક રીતે બાળકીને ત્યજી દેવાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું કે બાળકી અધૂરા માસે મૃત જન્મી હતી. પરિવારજનોએ પરંપરા મુજબ અંતિમ વિધિ કરીને બાળકીનું દફન કર્યું હતું, પરંતુ પશુએ દફનસ્થળમાંથી બહાર કાઢી હતી, જેથી ઘટનાની જાણ થઈ હતી.
પાટણ બી ડિવિઝન પોલીસ અને ધારપુર હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકી મૃત જન્મી હોવાની હકીકત સામે આવી છે. ધારપુર હોસ્પિટલમાં જરૂરી કાર્યવાહી બાદ વાલી-વારસ મળી આવતા મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ