જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો સહિતની ઉપસ્થિતિમાં વેરાવળમાં ‘સશક્ત નારી મેળો' ખૂલ્લો મૂકાયો
ગીર સોમનાથ 22 ડિસેમ્બર (હિ.સ.) : ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરતાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા વેરાવળના મણિબહેન કોટક સ્કૂલની પાછળ, કે.સી.સી. મેદાન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મ
મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેળો ખૂલ્લો મૂકાયો


ગીર સોમનાથ 22 ડિસેમ્બર (હિ.સ.) : ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરતાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા વેરાવળના મણિબહેન કોટક સ્કૂલની પાછળ, કે.સી.સી. મેદાન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળો' ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે આ‌ મેળાને ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે, વર્તમાન રાજ્ય સરકારના પ્રયત્નોના પરિણામે આજે મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલ 'મિશન મંગલમ યોજના' મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને પગભર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

મહિલાઓને રિવોલ્વિંગ ફંડ તેમજ બેંક લિંકેજીસ મારફતે આપવામાં આવેલી સહાયના સથવારે મહિલાઓએ આત્મનિર્ભરતાનો આગવો પથ કંડાર્યો છે. આજે મહિલાઓ પોતાની કલાકારી અને કસબથી બનાવેલી હાથ બનાવટની વસ્તુઓના ઉત્પાદન અને વેંચાણથી પોતાના પગ પર ઉભી થઈ છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આ તકે જણાવ્યું હતું કે, આત્મનિર્ભરતાની શરૂઆત મહિલા સશક્તિકરણથી થાય છે. દેશની મહિલાઓ સશક્ત હશે તો જ દેશ સશક્ત બનશે. મહિલાઓ આર્થિક રીતે પગભર થાય અને નાણાકીય સ્વતંત્રતા મેળવે એ પહેલના ભાગરૂપે આ મેળો યોજાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેવાડાના વિસ્તારમાં રહેતી મહિલાઓ ઘરનું કામ છોડી અને બહાર નથી જઈ શકતી, આવી મહિલાઓ માટે જ સ્વ-સહાય જૂથની રચના કરવામાં આવી છે. જિલ્લામાં આવી ૬ હજાર સ્વ-સહાય જૂથની રચના કરવામાં આવી છે.

જેમાં જોડાઈને રિવોલ્વિંગ ફંડ જેવી સહાય થકી તેઓ પોતાના ગૃહ ઉદ્યોગનો વ્યાપ વિસ્તારી શકે છે. સરકાર આવા મેળા થકી તેમને વેચાણનું યોગ્ય પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. જે મહિલાઓ પાસે કૌશલ્ય નથી, તેવી મહિલાઓને તાલીમ થકી કૌશલ્ય વિકસિત કરવામાં મદદ કરવામાં આવે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ સ્વાગત પ્રવચન કરી અને ‘સશક્ત નારી મેળા'ની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવેલા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓ તેમના કલાકારીને દર્શાવે અને સ્વ-નિર્ભરતા હાંસલ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તા. ૨૧ થી ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન સુધી ચાલનારા આ મેળામાં વિવિધ જિલ્લાઓના વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ (ODOP) અંતર્ગતની વસ્તુઓ તેમજ હસ્તકલા અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ તકે, મહિલા ખેડૂત, લખપતિ દીદી, ડ્રોન દીદી, ઉદ્યોગ સાહસિક મહિલા, મહિલા રમતવીરો સહિત વિવિધ ક્ષેત્રના નારી રત્નોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાં મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કરી હતી.ગીર સોમનાથ જિલ્લામાં મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સશક્ત નારી મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટોલ, ખેતીવાડી તેમજ બાગાયત વિભાગ, મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-કોટેજ ઇન્ડસ્ટ્રી, વન અને પર્યાવરણ વિભાગ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા તેમજ કો-ઓપરેટિવ જિલ્લા રજીસ્ટ્રાર સહિત ૬૦ સ્ટોલ થકી મહિલા કારીગરો અને સ્વ-સહાય જૂથોને તેમની કલાકૃતિઓના વેચાણ માટે વ્યાપક પ્લેટફોર્મ મળશે.

આ તકે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, અગ્રણી ડૉ. સંજયભાઈ પરમાર, વિક્રમભાઈ પટાટ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને વેરાવળના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande