
સુરત, 25 ડિસેમ્બર (હિ.સ.)-સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. બેંગકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દ્વારા સુરત આવી રહેલી એક મહિલાને કસ્ટમ્સ વિભાગે શંકાના આધારે અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલાના સામાનમાંથી 3.11 કિલો હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
કસ્ટમ્સ અધિકારીઓએ તાત્કાલિક ગાંજો જપ્ત કરી મહિલાની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ગાંજો ખાસ પેકિંગ કરીને લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેથી એરપોર્ટ પર તપાસથી બચી શકાય. આરોપી મહિલા આ ગાંજો કોને પહોંચાડવાનો હતો અને પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ કાર્યરત છે કે નહીં તે દિશામાં કસ્ટમ્સ અને અન્ય એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઈડ્રોપોનિક ગાંજાની તસ્કરીના અનેક કેસ સામે આવ્યા છે, જેને કારણે સુરક્ષા અને તપાસ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર એરપોર્ટ મારફતે થતી ડ્રગ્સ તસ્કરી સામે સત્તાવાળાઓની ચેતવણી વધારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે