
ગીર સોમનાથ, 25 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્ર સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. આગામી સમય સ્ટાર્ટઅપનો છે. ત્યારે ભાવિ પેઢીને તે અંગેનું અત્યારથી જ જ્ઞાન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે.
રાજ્યનો યુવા કૌશલ્યવાન અને સામર્થ્યવાન બને તે માટે આઇ.ટી.આઇ. સ્તરે જ તેને જ્ઞાન મળે અને તેના કૌશલ્યનું નિર્માણ થાય તે માટે તાલીમ સાથે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
આવા જ ઉપક્રમમાં અત્યારે સમગ્ર રાજ્યમાં ઉજવાઇ રહેલ સુશાસન સપ્તાહના ભાગરૂપે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વેરાવળ, આઈ.ટી.આઈ. ખાતે સ્ટાર્ટઅપ અંગે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉદ્યોગ અધિકારી પી.એમ.પટેલ દ્વારા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ સ્ટાર્ટઅપ યોજનાઓ વિશેની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં આઇ.ટી.આઇ.ના ટ્યૂટર, ઇન્સ્ટ્રક્ટર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ