
ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : અયોધ્યામાં શ્રી રામ જન્મ ભૂમિ ઉપરના શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની સાથે જ એ જ તારીખ અને એજ સમયે ગાંધીનગરમાં એકમાત્ર જેની પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી તે શ્રી રામજી મંદિરના દ્વિતિય પાટોત્સવની આગામી પોષ સુદ બારસ, બુધવાર તારીખ ૩૧ ડિસેમ્બરે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવનાર છે.
ગાંધીનગરમાં રાયસણ ખાતે નવનિર્મિત પંચેશ્વર તળાવના કિનારે આવેલ પંચેશ્વર મંદિર પરિસરમાં આવેલ શ્રી રામજી મંદિરનો દ્વિતિય પાટોત્સવની વેદોક્ત પૂજા વિધિ સાથે આગામી ૩૧ ડિસેમ્બર, બુધવારના દિવસે ઉજવણી કરવાવનાર હોઇ પંચેશ્વર મંદિર સમિતિ અને આ વિસ્તારના રહીશો ઉત્સાહભેર તડામાર તૈયારી કરી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે રાયસણનું પંચેશ્વર મંદિર ગાંધીનગરનું એક એવું મંદિર છે જ્યાં નિયમિત મંગળા આરતી, શ્રુંગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી અને શયન આરતી થાય છે તેનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા દર્શન લાભ લે છે.
પંચેશ્વર મંદિર ઉજવણી સમિતિએ શ્રી રામજી મંદિરના દ્વિતિય પાટોત્સવની ઉજવણીની વિગતો આપતાં જણાવ્યું છે કે આગામી ૩૧ ડિસેમ્બર બુધવારના દિવસે રાયસણ મેટ્રો સ્ટેશન પાસે આવેલ શ્રી રામજી મંદિરમાં સવારે ૯.૩૦ કલાકે શ્રી રામ યજ્ઞનો શુભારંભ થશે જેની પૂર્ણાહૂતિ ૧૧.૩૦ શ્રીફળ હોમ સાથે થશે. ત્યારબાદ બપોરે ૧૧.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન ભગવાનના છપ્પન ભોગ અન્નકુટનાં દર્શન અને આરતી થશે. બપોરે ૩ થી ૫ વાગ્યા દરમિયાન બહેનોની ભજનમંડળીઓ તરફથી ભજનનો કાર્યક્મ રહેશે. અને રાત્રે ૯ કલાકે ભાવિક ભક્તો દ્વારા સમુહમાં શ્રી સુંદરકાંડનું ગાન કરવામાં આવશે. પાટોત્સવનો દર્શન લાભ લેવા પંચેશ્વર મંદિર સમિતિ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
યજ્ઞાચાર્ય દિપકકુમાર ભાનુપ્રસાદ પંડ્યા શ્રી રામ યજ્ઞ કરાવશે. શ્રી રામ યજ્ઞનું યજમાન પદ સંદિપભાઇ હસમુખભાઇ પટેલ અને હાર્દિક કુમાર રાજેન્દ્રભાઇ પટેલ શોભાવશે. છેલ્લા ત્રણ વર્ષથી મંદિરના ઉત્સવો અને પાટોત્સવમાં મંદિરમાં રંગબેરંગી ફુલોથી શ્રુંગારની સેવા આપતાં ડો. સંયમ આશિષભાઇ બ્રહ્મભટ્ટે આ વખતે પણ રામજી મંદિરના પાટોત્સવમાં રંગબેરંગી ફુલોથી મંદિરને શણગારવાની સેવા આપી છે. એજ રીતે પાટોત્સવમાં છપ્પન ભોગ પ્રસાદની સેવા વિપુલભાઇ રમણભાઇ પટેલ તરફથી મળી છે જેનો મંદિર સમિતિએ સહર્ષ સ્વિકાર કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ