
ગીર સોમનાથ, 28 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સુશાસન એ છે કે જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે, દેશમાં નાગરિકો સૌથી વધુ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આ ખેડૂતો પોતાના બાવળાના બળે જગતનું પોષણ કરે છે. તેવી તાકાત ધરાવે છે. ત્યારે કૃષિ માટે જરૂરી સિંચાઇ માટેની વિજળી દિવસે કિસાન સૂર્યોદય યોજનાથી રાજ્ય સરકારે પુરી પાડી છે.
ખેડૂતલક્ષી યોજનાઓ અને પહેલ દ્વારા પારદર્શક અને અસરકારક રીતે ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે. ભારતનો વિકાસ ત્યારે જ શક્ય છે, જ્યારે ખેડૂતો સમૃદ્ધ, સુરક્ષિત અને આત્મનિર્ભર હોય. આ યોજના તેમને ખરેખર પગભર બનાવનારી યોજના બની રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સુદૃઢ સુશાસન હેઠળ ખેડૂતલક્ષી યોજનાઓ તમામ ખેડૂતો સુધી સફળતાપૂર્વક પહોંચાડી રહી છે, અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, કિસાન સૂર્યોદય યોજના (KSY), જેના થકી ગીર સોમનાથ જિલ્લામાં ૨૩૫ ફિડર થકી ૮૨,૦૩૪ ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળી રહ્યો છે.
આ અંગે ઉના તાલુકાના સીમર ગામના ખેડૂત સંજયભાઇ સાંખટે જણાવ્યું હતું કે, પહેલા ખેડૂતોને રાત્રે વીજળી મળતી હતી, જેના કારણે રાત્રે પાણી વાળવા જવામાં તકલીફ પડતી હતી. પાણીનો વ્યય પણ ઘણો થતો હતો, ને રાત્રે જાનવરોનો ડર પણ રહેતો હતો. હવે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત છેલ્લા વર્ષોથી અમને દિવસે વીજળી મળે છે, જેના થકી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. હવે ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ખેતરમાં પાણી મળી રહે છે અને સમયનો પણ બચાવ થાય છે. આ માટે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું.
કિસાન સૂર્યોદય યોજનાના અમલીકરણ થકી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી હોવાથી, તેઓ દિવસ દરમિયાન યોગ્ય સમયે ખેતરમાં સારી રીતે સિંચાઈ કરી શકે છે અને વધુ પાક ઉત્પાદન મેળવી શકે છે, જે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં પરિણમે છે. ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સતત મજબૂતીકરણ સાથે, રાજ્ય સરકાર કિસાન સૂર્યોદય યોજનાનું તબક્કાવાર અમલીકરણ ચાલુ રાખશે, જે ખેડૂતોને દિવસના સમયે વિશ્વસનીય અને ટકાઉ વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ