
નવસારી, 28 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા નવસારી અને વલસાડ જિલ્લામાં ઉકાઈ–કાકરાપાર યોજના હેઠળ રૂ. 199.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ચીખલી તાલુકાના આમધરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં નહેરોના આધુનિકીકરણ તેમજ જળ સંચય સંબંધિત કામોની શરૂઆત કરાઈ હતી.
આ મહત્વાકાંક્ષી યોજનાના અમલથી બંને જિલ્લામાં સિંચાઈ સુવિધાઓ વધુ સુદૃઢ બનશે. યોજના અંતર્ગત કુલ 154 વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે, જેના પરિણામે અંદાજે 4520 હેક્ટર ખેતીલાયક જમીનને સીધો સિંચાઈ લાભ મળશે. આ કામો માટે અંબિકા વિભાગને રૂ. 74 કરોડ, ઉકાઈ ડાબા કાંઠાની નહેર માટે રૂ. 113.42 કરોડ તથા પંચાયત સિંચાઈ વિભાગને રૂ. 12 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે સૌની, સુજલામ સુફલામ અને ઉદ્વાહન જેવી યોજનાઓના કારણે હવે દરિયાકાંઠાના વિસ્તારો સુધી પણ મીઠું પાણી પહોંચતું થયું છે. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલએ ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારે જળ સંચય માટે પંચવર્ષીય યોજનામાં રૂ. 2 લાખ કરોડની વિશાળ જોગવાઈ કરી છે.
નહેર આધુનિકીકરણના આ કાર્યો થકી પાણીની નોંધપાત્ર બચત થશે, છેવાડાના ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળશે તેમજ ચેકડેમોના નિર્માણથી ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે. કાર્યક્રમમાં ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે