સુરતમાં પારિવારિક ઠપકાના પગલે યુવાનનું મોત: ચોથા માળેથી પડતાં જીવ ગુમાવ્યો
સુરત, 28 ડિસેમ્બર (હિ.સ.)-સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પારિવારિક બાબતે થયેલા મનદુઃખ બાદ 23 વર્ષીય યુવાને રહેણાંક બિલ્ડિંગના ચોથા માળેથી પડતાં પોતાનું જીવન ગુમાવ્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં નોંધા
Death


સુરત, 28 ડિસેમ્બર (હિ.સ.)-સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પારિવારિક બાબતે થયેલા મનદુઃખ બાદ 23 વર્ષીય યુવાને રહેણાંક બિલ્ડિંગના ચોથા માળેથી પડતાં પોતાનું જીવન ગુમાવ્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં નોંધાઈ છે.

રામપુરા રામવાડી નજીક આવેલા હમ્દપાર્ક બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી પરિવાર સાથે રહે છે. તેઓ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનો પુત્ર દાનિશ મોતીપાણી અગાઉ હીરાની ઓફિસમાં કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, કામકાજ અને જીવનશૈલી બાબતે પિતા દ્વારા કરાયેલી ટિપ્પણી બાદ દાનિશ માનસિક રીતે અસ્વસ્થ થયો હતો.

26 ડિસેમ્બરની રાત્રે દાનિશ બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પડ્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં દાનિશ નીચે પડતો હોવાનું જોવા મળે છે, જેના અવાજથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મૃતક દાનિશ પરિવારનો એકનો એક પુત્ર હતો અને તેની એક બહેન છે. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર ભારે આઘાત પડ્યો છે. આ મામલે લાલગેટ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande