
રાજકોટ, 28 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના રૈયા ચોક ઓવરબ્રિજ પરથી 27 ડિસેમ્બરના રોજ એક યુવકે છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં યુવકને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત યુવકનું નામ હરેશ જેઠવા (ઉંમર 41) હોવાનું સામે આવ્યું છે. તેઓ રૈયા રોડ પર આવેલા શ્યામનગર વિસ્તારમાં રહેતા હતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.
મળતી માહિતી મુજબ, ઘટનાથી પૂર્વે પતિ-પત્ની વચ્ચે ઘરેલું ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી બાદ માનસિક રીતે આઘાત લાગતા યુવકે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ યુવકની સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા નિવેદન નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે