વલસાડમાં કપરાડાના અંભેટીમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો
વલસાડ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બિહારના ભાગલપુર ખાતે સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતમાં પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરવા માટે કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવ
વલસાડ


વલસાડ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બિહારના ભાગલપુર ખાતે સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતમાં પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરવા માટે કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઇ-લોકાર્પણ તથા તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લોકસભાના દંડક અને વલસાડ- ડાંગના સંસદ સભ્ય ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતોનું જીવન ધોરણમાં સુધારો આવે તે માટે સતત કાર્ય કરતા હતા. કઈ જમીનમાં ક્યાં પ્રકારની ખેતી કરી શકાય તે માટે સોઈલ હેલ્થ કાર્ડ અને અનેક ટેકનોલોજી તેમજ સાધનો ખેડૂતો સુધી પહોંચતા કર્યા હતા. ભારતનું હૃદય ગામડા છે. આ દેશને ખેડૂતો ચલાવી રહ્યા છે. ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને તે માટે નરેન્દ્રભાઈ હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. જન ધન બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી એક એક રૂપિયાની સહાય સીધી લાભાર્થીને તેના બેન્ક ખાતામાં મળે છે. ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે ટેકાના ભાવ પણ વધાર્યા છે.

વલસાડ જિલ્લાના ખેડૂતો પર દ્રષ્ટિપાટ કરતા સંસદએ વધુમાં જણાવ્યું કે, આજે વલસાડ જિલ્લાના એક લાખ બત્રીસ હજાર ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 19 મો હપ્તો જમા થયો છે. જિલ્લામાં 65 હજાર હેકટર જમીન વિસ્તારમાં વાવેતર થઇ રહ્યું છે જે ખુશીની વાત છે. ખેડૂતો માટે સિંચાઈનું પાણી સૌથી વધુ મહત્વ છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંકટ સામે જળ સંચયનો સંકલ્પ લીધો છે. જે ગામોમાં 200 - 300 ફૂટે પણ બોરમાંથી પાણી નથી મળતું તેવા ગામોમાં 90 ટકા સરકારી સહાયથી બોર કરી શકાય તે માટે સરકાર કામ કરી રહી છે. ઓછા વ્યાજ દરે ખેડૂતોને લૉન મળે તે માટે વડાપ્રધાન કટિબદ્ધ છે. પહેલાના સમયમાં સપ્તાહમાં બે ત્રણ કલાક વીજળી મળતી હતી પરંતુ હવે ૨૪ કલાક વીજળી મળે છે. ડ્રોન દીદી, લખપતિ દીદી દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ખેડૂતોનું જીવન સુખમય સમૃદ્ધ બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બિહારના ભાગલપુર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ખેતીવાડી શાખાની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં કૃષિ મેળો-વ- પ્રદર્શનના 20 સ્ટોલનું પણ આયોજન કરાયું હતું, જેમાં ખેતીવાડી વિભાગના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાની માહિતી, આત્મા પ્રોજેકટના સ્ટોલ દ્વારા પ્રાકૃતિક ખેતીનું નિદર્શન અને માહિતી, આઇસીડીએસ દ્વારા વિવિધ યોજનાની માહિતી, બાગાયત વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાની માહિતી, ટ્રેક્ટરના ડીલર, પાવર ટીલરના ડીલર, એફપીઓ દ્વારા વેચાણના સ્ટોલ અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું વેચાણના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય શાખાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાની માહિતી અને મેડિકલ સુવિધા માટે પણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ખેતીવાડી, સિંચાઈ સમિતિના અધ્યક્ષ ઉર્મિલાબેન બિરારી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મતિ હીરાબેન પી. માહલા, અંભેટી ગામના સરપંચ યોગેશ પટેલ, જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ પટેલ, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ જીનેશ પટેલ અને જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત મિલેટની ટોપલી આપી કરવામાં આવ્યું હતું બાદમાં આ મિલેટની ટોપલી આંગણવાડીના બાળકોના તંદુરસ્ત સ્વાથ્ય માટે અર્પણ કરવામાં આવી હતી. અંભેટી આશ્રમશાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા રાજેન્દ્રસિંહ ઠાકોરે કર્યું હતું. આભારવિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુખાલા પ્રાથમિક શાળાના આચાર્ય હરીશભાઈ પટેલે કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande