સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ તથા ગુરૂ/શિષ્ય સ્કીમ હેઠળ સુરતના વિવિધ વિસ્તારમાં 135 બહેનોએ જરી જરદોશીની સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓને સ્વનિર્ભર અને વધુ કુશળ બનાવવા માટે કતારગામ બાળાશ્રમ ખાતે ટેક્સટાઈલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગના ઉપક્રમે ૧૩૫ પૈકી 30 બહેનો માટે ‘ડિઝાઈન અને ટેકનિકલ ડેવલોપમેન્ટ વર્કશોપ’ હેઠળ એક મહિનાની તાલીમનો શુભારંભ મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે કરાયો હતો.
બાળાશ્રમના પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામવાળાના સહયોગથી આયોજિત આ તાલીમમાં અમી ચેરિટેબલના માસ્ટર ટ્રેનર મતી ભાવનાબેન દેસાઈ દ્વારા વિશેષ પ્રોડક્ટ બનાવી સુરતની પ્રાચીન પરંપરાગત જરી જરદોશીની તાલીમ અપાશે. વિશેષત: ગાંધીનગરથી એક મહિલા માસ્ટર ટ્રેનર સુરત આવી પ્રોડક્ટ ડેવલપમેન્ટની પણ તાલીમ આપશે.
આ પ્રસંગે મેયર તેમજ જરી એમ્બ્રોઈડરી એસો.ના દીપકભાઈ કુકડીયા, મહેન્દ્રભાઈ ઝડફિયા, તુષારભાઈ કુવાડીયા, પૂર્વ રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી મતી દર્શનાબેન જરદોશના હસ્તે ટેક્સ્ટાઈલ મંત્રાલયના હેન્ડીક્રાફ્ટ આર્ટીઝન કાર્ડ તથા તાલીમ માટેના કાપડ, જરી, દોરા, રિંગ વિવિધ ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા, બહેનોનું સંકલન, સંયોજન સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ દ્વારા કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે