સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2025માં પ્રસિધ્ધ કરાયેલ 13th Annual Integrated Rating & Ranking: Power Distribution Utilities અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને નાણાંકીય વર્ષ 2023-24 માટે 97.5 ના સ્કોર અને A+ (એ - પ્લસ) ગ્રેડ સાથે જાહેર સાહસની વીજ વિતરણ કંપનીઓમાં પ્રથમ સ્થાન અને સંયુક્ત (જાહેર તથા ખાનગી) વીજ વિતરણ કંપનીઓમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. ગુજરાત રાજ્યની જાહેર સાહસની ચારેય વીજ વિતરણ કંપની દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ને A+ (એ – પ્લસ) ગ્રેડ મેળવ્યો છે અને તમામને સર્વોચ્ચ દશ કંપનીઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા વાર્ષિક ધોરણે વીજ વિતરણ કંપનીના રેટિંગ્સ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ વર્ષે જાહેર સાહસોની 42 અને ખાનગી 10 એમ કુલ ૫૨ વીજ વિતરણ કંપનીઓનું સુચારું સંચાલન, નાણાકીય સંલગ્ન ઉમદા કામગીરી, સુધારણા, ઉત્તમ કાર્યવાહન, ડિસ્ટ્રિબ્યુશન લોસ, બિલિંગ એફિશિયન્સી, કલેક્શન એફિશિયન્સી તેમજ કોર્પોરેટ ગવર્નન્સ જેવા વિવિધ પાસાઓના વિશ્લેષણ બાદ આ રેટિંગ બહાર પાડવામાં આવ્યું છે.
આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી યોગેશ ચૌધરી (IAS) એ કંપનીના લાઇન સ્ટાફ થી માંડીને ચીફ ઇજનેર તેમજ ફિલ્ડ ઓફિસ થી લઈ વહીવટી ઓફિસના તમામ વિભાગોના સર્વે કર્મચારીગણને અભિનંદન પાઠવ્યા હતા. વિશેષતઃ કંપનીના માનવંતા વીજગ્રાહકોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે ડીજીવીસીએલનું ગ્રાહકલક્ષી વલણ, તકનીકી સુધારાઓ, સુદ્રઢ વીજ માળખું, ઉમદા સંચાલન અને માનવંતા વીજ ગ્રાહકોનાં સહકારને કારણે જ આ બહુમાન મળ્યું છે. ઉપરાંત, આ સિદ્ધિથી સંતુષ્ટ ન થતા ભવિષ્યમાં પણ આ પ્રકારની ઉમદા કામગીરી કરી માનવંતા વીજગ્રાહકોને ઉત્તમ વીજ સેવા પૂરી પાડવા તમામને કટિબધ્ધ રહેવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે