વલસાડ જિલ્લામાં 6 વર્ષ બાદ નવા પી.એમ.આવાસ માટે સર્વે, 46341 લાભાર્થીઓએ પાકા મકાન માટે અરજી કરી
વલસાડ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)-વર્ષ ૧૯૩૭માં રિલીઝ થયેલી ફિલ્મ પ્રેસિડેન્ટનું સોંગ એક બંગલા બને ન્યારા... આજે પણ દરેક ઘર, દરેક પરિવાર માટે એટલું જ લોકપ્રિય છે. દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવવા સપના જોતો હોય છે અને આ સપનું સાકાર કરવામાં પ્રધાનમંત્રી
વલસાડ


વલસાડ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)-વર્ષ ૧૯૩૭માં રિલીઝ થયેલી ફિલ્મ પ્રેસિડેન્ટનું સોંગ એક બંગલા બને ન્યારા... આજે પણ દરેક ઘર, દરેક પરિવાર માટે એટલું જ લોકપ્રિય છે. દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવવા સપના જોતો હોય છે અને આ સપનું સાકાર કરવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના જરૂરિયાતમંદો માટે આશીર્વાદ સમાન બની છે. ગરીબ લોકો પાસે ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામિણ હેઠળ પાકુ મકાન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. ત્યારે વલસાડ જિલ્લામાં છ વર્ષ બાદ નવા પીએમ આવાસો બનાવવા માટે તા. ૯ ફેબ્રુઆરીથી ૩૭૪ ગામમાં સર્વે કામગીરીનો આરંભ કરાયો છે. જેમાં અત્યાર સુધીમાં ૪૬૩૪૧ લાભાર્થીઓએ પાકા મકાન માટે અરજી કરી છે.

દરેક નાગરિકના માથા પર પાકી છત હોય એવો સંકલ્પ લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસની રાહ પર આગળ વધી રહ્યા છે. ત્યારે દરેક વ્યક્તિનું પોતાનું પાકુ ઘર હોય તે માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના વરદાનરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં આ આવાસ યોજના અંતર્ગત રૂ. ૫૦ હજારનો સીધો વધારો કર્યો છે. હવે લાભાર્થીને રૂ.૧.૨૦ લાખને બદલે રૂ.૧.૭૦ લાખની સહાય મળશે. વંચિત રહી ગયેલા લોકોને આ યોજનાનો લાભ મળે તે માટે ગામ દીઠ ફાળવેલા સર્વેયરો દ્વારા ગામે ગામ જઈ આધારકાર્ડ, બેન્ક પાસબુક, રેશનકાર્ડ અને જોબ કાર્ડ જેવી વિગતો લાભાર્થીઓ પાસે મેળવી મોબાઈલ એપ્લીકેશન આવાસ પ્લસ ૨૦૨૪ દ્વારા રજિસ્ટ્રેશન કરી ઘરવિહોણા તથા કાચા ઘરમાં રહેતા લોકો માટે નવા ઘરની અરજીઓ કરવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૬૩૪૧ લાભાર્થીઓની આવેલી અરજીમાંથી સૌથી વધુ કપરાડા તાલુકામાંથી ૧૮૬૩૨ અને ધરમપુર તાલુકામાંથી ૧૪૩૭૬ અરજી આવી છે. આ સિવાય પારડી તાલુકામાંથી ૩૭૯૧, ઉમરગામથી ૪૫૯૫, વલસાડથી ૪૨૯૪ અને વાપી તાલુકામાંથી ૬૫૩ જેટલી અરજીઓ કરવામાં આવી છે. પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લોકોને આ સર્વે દ્વારા પાકુ આવાસ મેળવવાની તક મળશે.

જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.કલસરિયાની દેખરેખમાં જિલ્લામાં પીએમ આવાસોના નવા સર્વે તથા પાછલા વર્ષના પૂર્ણ કરવાના બાકી આવાસોની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. એક પણ વ્યક્તિ આવાસથી વંચિત ન રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી તેમજ નિયામક ગામોમાં જઇ સર્વે કરનાર સર્વેયરોને માર્ગદર્શન અને લાભાર્થીઓને યોજના વિશે માહિતી આપી રહ્યા છે.

બજેટ બાદ હવે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવું બનશે વધુ સરળ

ગુજરાત સરકારના બજેટ ૨૦૨૫-૨૬ માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ અંતર્ગત મળશે હવેથી રૂ. ૧ લાખ ૭૦ હજારની સહાય મળશે. પહેલા રૂ.૧.૨૦ લાખ સહાય મળતી હતી. જેમાં સીધા ૫૦ હજારનો ઉમેરો કરતા સુવિધાયુક્ત સપનાનું ઘર બનાવવું ગરીબો અને વંચિતો માટે વધુ સરળ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande