પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ 2025બની બોર્ડ પરીક્ષા આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી આ પરીક્ષા સંદર્ભે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા કરવામાં આવી છે. બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન અને નકારાત્મક મનોવલણ કે જે આત્મહત્યા તરફ પ્રેરે છે તેવા નકારાત્મક ભાવોને દૂર કરી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત કરી તેમનામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કરી સફળતાપૂર્વક બોર્ડની પરીક્ષા પાસ કરી શકે તે માટે તેઓને તૈયાર કરવાના હેતુથી મનોવિજ્ઞાન વિષયના તજજ્ઞોની ટીમ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે તે માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. અને શાળાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે વ્યાખ્યાનનું આયોજન કરાઇ છે. પોરબંદર જિલ્લાના બળેજ ગામે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે બોર્ડના વિધાર્થીઓ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં માતૃશ્રી કસ્તુરબેન જૈન હાઈસ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, પોરબંદર દ્વારા નિયુક્ત મનોવૈજ્ઞાનિક ડૉ. જીજ્ઞેશ વિ. પ્રશ્નાણી એ પ્રેરણાદાયી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડી હતી. આ સેમિનારના પ્રારંભે પ્રાસંગિક પ્રવચન આપતા સરકારી હાઈસ્કૂલના આચાર્ય ભરતભાઈ જાડેજા એ તાલીમનું મહત્વ સ્પષ્ટ કરી વર્તમાન સમયમાં લેવાતી બોર્ડની પરીક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર એ પોતાના જીવનના પ્રસંગો યાદ કરી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મનોવૈજ્ઞાનિક ડૉ. જીજ્ઞેશ વિ. પ્રશ્નાણીએ પોતાના વ્યાખ્યાનમાં પરીક્ષાની પૂર્વતૈયારી, પરીક્ષાના દિવસે અને પછી પણ શું ધ્યાનમાં રાખવું તે વિગતવાર સમજાવ્યું હતું. ઉપરાંત પરીક્ષાના સમયે અનુભવતા કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરવાની અને આત્મ વિશ્વાસ વધારવા માટેની મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓ દર્શાવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કઈ રીતે ભય દૂર કરી શકાય, આત્મ વિશ્વાસથી કઇ રીતે પરીક્ષા આપી શકાય અને સાથે કંઈ રીતે હળવાશથી પરીક્ષા આપવી વગેરે પ્રશ્નોનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.અને વિદ્યાર્થીઓને ડૉ. જીજ્ઞેશ વિ. પ્રશ્નાણી મો. 9824364362 અને ડૉ. પ્રીતિ ટી. કોટેચા મો. 9033481803 નો સંપર્ક કરી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવી બોર્ડની પરીક્ષામાં ભયમુક્ત બની આત્મવિશ્વાસપૂર્વક આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી, મનોવૈજ્ઞાનિક તજજ્ઞ ટીમ, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ અને સદસ્યો, બળેજની બંને શાળાના આચાર્ય, સ્ટાફ તેમજ પરીક્ષા સમિતિના સર્વ સભ્યોએ જેહમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya