સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.)–ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવતીકાલ તા.27 મી ફેબ્રુ.થી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય, અને વિદ્યાર્થી શાંતચિત્તે અને કશા પણ ભય વિના પરીક્ષા આપી શકે. વિદ્યાર્થીમિત્રો, બોર્ડની પરીક્ષા માટે તૈયાર હોવ તો કેટલીક ટીપ્સ આપને ચોક્કસ મદદરૂપ બનશે:-
-> વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે શક્ય હોય તો બૂટ-મોજા ન પહેરતાં ચંપલ કે સેન્ડલ પહેરીને જઈએ કે જેથી પગને અકળામણ ન થાય.
-> પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષાની તૈયારી બંધ કરી દેવી જોઈએ.
-> પરીક્ષાને લગતા કોઈપણ નકારાત્મક વિચારો ન કરીએ. હકારાત્મક બની પરીક્ષાને હળવા થઈને આપવી જોઈએ.
-> અફવાઓ પર ધ્યાન ન આપીએ, પેપર અઘરૂં છે, લાંબુ છે, કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઈએ.
-> પેપર આપવા જઈએ ત્યારે સાથે રિસિપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જઈએ પણ મોબાઈલ સાથે ન લઈ જવો. બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઈ જવું.
-> પરીક્ષા કેન્દ્રો ઉપર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળવું. બિનજરૂરી ચર્ચા કરવાથી અનેક પ્રકારનો ડર પેદા થાય છે.
-> બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકે બને ત્યાં સુધી મિત્રો સાથે જેતે વિષય અને તૈયારીની ચર્ચા ન કરતાં પોતાની વર્ષ દરમિયાનની મહેનત પર ભરોસો અને વિશ્વાસ દાખવવો જોઈએ.
-> જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓએમઆર/આન્સર શીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું. ઓએમઆર/આન્સર શીટને વાળવી નહીં.
-> ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો.
-> વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી. વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા. એક જ બ્લ્યુ રંગની શાહીથી લખવું. જેલ પેનનો ઉપયોગ ટાળવો.
-> ઓળખ છતી થાય તેવા ચિહ્નો ક્યારેય લખશો નહિ. ઓએમઆર શીટમાં ઈશ્વર કે અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં.
-> મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, સ્માર્ટવોચ જેવા કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઈસ/ગેઝેટ્સ પરીક્ષા કેન્દ્રમાં સાથે લઈ જવાની મનાઈ હોય છે. જેથી આવા સાધનો ઘરે જ મૂકી રાખો.
-> કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્સ બનાવવાનું રાખવું, જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને.
*ખાસ કરીને વાલીઓએ પણ કેટલીક બાબતનું ધ્યાન રાખવું: જેમ કે;*
-> જ્યારે પોતાનું બાળક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જાય ત્યારે વાલીઓએ રિસિપ્ટ, કંપાસ કે પાઉચ તથા જરૂરી સાધન-સામગ્રી તેણે લીધી છે કે કેમ તે જોઈ લેવાની કાળજી રાખવી.
-> બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવાં.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે