વડોદરા,5 ફેબ્રુઆરી (હિ.સ.) વડોદરામાં ભાજપ નેતા સાથે ઠગાઈ કરનારને પોલીસે ઝડપી પાડ્યો. ભાજપના નગરસેવક સાથે સુખલી પુરાની જમીન વેચાણ મામલે છેતરપિંડી કરનાર કમલેશ દેત્રોજને પોલીસે ઝડપી પાડ્યો. આરોપી કમલેશની અટકાયત કર્યા બાદ પુછપરછમાં જમીન મામલે છેતરપિંડીને લઈને વધુ ખુલાસા થઈ શકે છે. જો કે છેતરપિંડી મામલામાં હજુ પણ શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપસિંહ ગોહિલ પોલીસ પકડથી દૂર છે.
મળતી માહિતી મુજબ ભાજપના નગરસેવક પરાક્રમસિંહ જાડેજા સાથે સુખલી પુરાની જમીન વેચવાના નામે 21 લાખની ઠગાઈ થઈ. જમીન વેચાણમાં છેતરપિંડી થયાનું સામે આવતા નગરસેવક પરાક્રમસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરતાં આરોપી કમલેશ દેત્રોજને ઝડપી પાડ્યો. જો કે પોલીસે કમલેશની ઉલટતપાસ કરતાં તેનો મોબાઈલ ના મળી આવ્યો.
મોબાઈલમાંથી જમીન વેચાણને લઈને વધુ માહિતી મળી શકત. અને એટલે જ આરોપીએ પોલીસથી બચવા મોબાઈલ ગોલ્ડન ચોકડી ફેંકી દીધો. આ ખુલાસા બાદ પોલીસ ગોલ્ડન ચોકડીના સ્થાન પર પંહોચી છતાં મોબાઈલ ના મળી આવ્યો. જમીન વેચાણને લઈને ઠગાઈ કરવાના ગુનામાં સામેલ શિક્ષણ સમિતિના ચેરમેન હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
પરાક્રમસિંહ જાડેજાએ છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ કરતાં આરોપી દિલીપસિંહ ગોહિલ ફરાર થયા. આરોપી કમલેશ દેત્રોજાએ કહ્યું દિલીપસિંહ ગુજરાતની બહાર ભાગી ગયા છે. પોલીસે બાતમીના આધારે ઠગાઈ કરનાર કમલેશને તેના ઘરેથી જ ઝડપી લીધો. જ્યારે નકલી ખેડૂત બની જમીન વેચવાના કૌભાંડમાં સામેલ અન્ય આરોપી દિલીપસિંહ ગોહિલ ફરાર છે. કમલેશ અને દિલીપ વાસ્તવિક જમીન માલિકની જાણ બહાર નકલી ખેડૂત બનીને જમીનનું વેચાણ કરી લોકો પાસેથી રૂપિયા પડાવવાનું કૌભાંડ આચર્યું.
પરાક્રમસિંહ જાડેજા સિવાય અન્ય લોકોને પણ આ લોકોએ નિશાન બનાવ્યા હશે તેવી પોલીસને શંકા છે. પોલીસ હવે સુખલીપુરા જમીન કૌભાંડમાં ઊંડી તપાસ કરી રહી છે. કમલેશ દેત્રોજને પોલીસે ઝડપી પાડતા કોર્ટમાં રજૂ કરી તેના રીમાન્ડ માંગ્યા છે. જેના બાદ તેના સાથીદાર અને ભાજપના કાર્યકર્તા દિલીપ ગોહિલને શોધવા ચક્રો ગતિમાન કર્યા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે