રાજકોટ/અમદાવાદ,05 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા પશુ દવાખાનાઓ થકી અબોલ પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. ભડલી ગામના પશુપાલકે પોતાના બળદને કમોડી એટલે કે શિંગડાનું કેન્સર હોવા વિશે 1962 પશુ દવાખાને જાણ કરી હતી. કોલ મળતાની સાથે 1962 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી.
રાજકોટ વિભાગના ફરતા પશુ દવાખાનાના ડો.અરવિંદ અને ડો. આશિષએ તાત્કાલિક ધોરણે પશુપાલકના ઘરે પહોંચી બળદના શિંગડાના કેન્સરનું ઓપરેશન કરી, બળદને આ અસહ્ય પીડામાંથી મુક્ત કર્યું હતું. આમ ગુજરાત સરકાર તેમજ ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા સંચાલિત પશુ દવાખાનું છેવાડામાં રહેતા પશુપાલકો માટે પણ વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. પ્રોજેક્ટ કોર્ડીનેટર પરેશભાઈ અને પ્રોજેક્ટ મેનેજર પ્રિયાંકભાઈએ કામગીરીને બિરદાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ