- ગાયના ગોબરમાંથી સાબુ, ધૂપબતી, ઘી, તેલ, અનાજ, કઠોળ મરી મસાલા સહિતની વસ્તુઓનું કરે છે વેચાણ
- ખેડૂત પોતે જ વેપારી બને તો સારી એવી આવક પણ મેળવી શકે છે: શોભના પટેલ
- પ્રાકૃતિક કૃષિ અભિયાન અને મિલેટ મહોત્સવ જેવા કાર્યક્રમો સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે અસરકારક બની રહ્યા છે - જીતેન્દ્ર
રાજકોટ/અમદાવાદ,05 ફેબ્રુઆરી (હિ.સ.) રાજકોટમાં કાર્યરત લઘુ ઉદ્યોગ ભારતી મેળો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 5 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં નવી ટેકનોલોજીયુક્ત મશીનરી સહિતના વિવિધ સ્ટોલની નાગરિકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ લઘુ
ઉદ્યોગ ભારતી મેળામાં થીયા ઓર્ગેનિક સ્ટોલે આકર્ષણ જમાવ્યું છે. સ્ટોલ ધારક શોભના પટેલ મેળામાં પ્રાકૃતિક ખેતીથી બનેલા કઠોળ, તેલ, ફળ અને શાકભાજી, સહિત ગાય આધારિત
વસ્તુઓ વેચાણ કરીને આપણો આહાર જ આપણું આરોગ્ય સૂત્રને સાર્થક કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન સંસ્થા સાથે જોડાયેલ થીયા ઓર્ગેનિકનો મુખ્ય ઉદ્દેશ્ય માનવીનું તંદુરસ્ત આરોગ્ય, રાસાયણિક ખાતર અને ઝેરી દવા મુક્ત 100 ટકા ખાતરી યુક્ત શુદ્ધ અમૃત આહાર ગ્રાહકોને પૂરો પાડવાનો ઉદ્દેશ્ય હોવાનું શોભનાબેને કહ્યું હતું.
રાજ્ય સરકાર સમયાંતરે વિવિધ જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન, મિલેટ મહોત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન કરે છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ નાગરિકો પોતાના દૈનિક આહારમાં જાડા ધાન્ય પાકોનો સમાવેશ કરે અને પોતાની લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવે તે માટે મિલેટ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવાની સાથે જન કલ્યાણકારી યોજનાઓ પણ કાર્યરત કરે છે. રાજ્ય સરકારની આ પહેલના ભાગરૂપે ગુજરાતના અસંખ્ય ખેડૂતો આજે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.
પડધરી તાલુકાના રોજીયા ગામમાં છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા શોભના પટેલ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી જમીનને ફળદ્રુપ અને ખેડૂતને સમૃદ્ધ બનાવે છે, સાથે સાથે નાગરિકોના પેટમાં પણ સારું ભોજન પહોંચતું હોવાથી પરિણામે તેઓ તંદુરસ્ત રહે છે. આમ પ્રાકૃતિક ખેતી કરવાથી તંદુરસ્ત ખેતી, સમૃદ્ધ ખેડૂત, તંદુરસ્ત માનવી, તંદુરસ્ત સમાજ અને અંતે તંદુરસ્ત
દેશનું નિર્માણ થાય છે.
પોતાની જમીનમાં વિવિધ પાકોનું પ્રાકૃતિક ઢબે વાવેતર કરી તે પાકની લલણી કર્યા બાદ લેબ ટેસ્ટ કરીને જાતે જ બજારમાં વેચતા શોભનાબેન કહે છે કે, ખેડૂત પોતે જ વેપારી બને તો સારી એવી આવક પણ મળી શકે છે. તેઓ આગામી 8 તથા 9 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટ ખાતે યોજાનારા મિલેટ મહોત્સવમાં પણ ભાગ લેવાના છે. તેમણે તમામ રાજકોટવાસીઓને આ મિલેટ મહોત્સવની મુલાકાત લેવા અપીલ કરી હતી.ગાયના ગોબરમાંથી સાબુ, ધૂપબતી, મચ્છરબત્તી, શેમ્પૂ, હેન્ડવોશ, ઘી, તેલ, અનાજ, કઠોળ, લોટ, મરી મસાલા સહિતવિવિધ નેચરલ પ્રોડક્ટનું વેચાણ કરતા શોભનાબેને સુભાષ પાલેકરજીની સજીવ ખેતીની તાલીમ પણ લીધી છે, જે તાલીમ તેમને પ્રાકૃતિક ખેતીમાં અને વિવિધ પ્રોડક્ટના વેચાણમાં ઉપયોગી બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ