નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર આવામી
એક્શન કમિટી (એએસી) અને જમ્મુ અને
કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન (જેકેઆઈએમ) ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ પાંચ વર્ષ માટે
પ્રતિબંધિત સંગઠનો તરીકે જાહેર કર્યા છે.
મંગળવારે એક સૂચનામાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે,” ઉમર ફારૂકની
આગેવાની હેઠળની આવામી એક્શન કમિટીના સભ્યો, જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને
પ્રોત્સાહન આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે. આ
સંગઠન દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને
સુરક્ષા માટે હાનિકારક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે.”
મંત્રાલયે એએસી અને તેના નેતાઓ વિરુદ્ધ અનેક ફોજદારી કેસ દાખલ કર્યા છે.જેમાં રાજદ્રોહ, ગેરકાયદેસર
એસેમ્બલી અને હિંસા ભડકાવવાના આરોપોનો સમાવેશ થાય છે. ભારત સરકાર વિરુદ્ધ ભાષણો
આપવા, ચૂંટણી
બહિષ્કારને પ્રોત્સાહન આપવા અને વિરોધ પ્રદર્શનો ઉશ્કેરવા બદલ નૌહટ્ટા, સફાકદલ અને
કોઠીબાગ સહિત શ્રીનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઉમર ફારૂક અને એએસીના અન્ય સભ્યો
સામે કેસ નોંધવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) એ એએસીના પ્રવક્તા, આફતાબ
અહેમદ શાહ અને અન્ય લોકો સામે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં, કથિત સંડોવણી બદલ
ચાર્જશીટ પણ દાખલ કરી છે. સરકાર માને છે કે, જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો, એએસી જમ્મુ અને
કાશ્મીરમાં આતંકવાદને ટેકો આપવાનું, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું અને અલગતાવાદી ચળવળોને
પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.
એક અલગ સૂચનામાં, ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે,” મસરૂર અબ્બાસ અન્સારીની
આગેવાની હેઠળની જેકેઆઈએમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતી. જે દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને
સુરક્ષા માટે પ્રતિકૂળ હતી. તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને
પ્રોત્સાહન આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ રહ્યા
છે.”
ગૃહ મંત્રાલયે કહ્યું કે,” જો જેકેઆઈએમની પ્રવૃત્તિઓ પર
રોક લગાવવામાં નહીં આવે, તો તે રાષ્ટ્ર
વિરોધી લાગણીઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.જમ્મુ અને
કાશ્મીરના ભારતમાં એકીકરણને પડકારશે અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડશે. આ
ચિંતાઓને ધ્યાનમાં રાખીને,
સરકારે
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની કલમ 3 હેઠળ તાત્કાલિક
અસરથી સંગઠન પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.”
સૂચનાઓ અનુસાર, ઉપલબ્ધ તમામ તથ્યોને ધ્યાનમાં લેતા, ગૃહ મંત્રાલયે
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ બંને
જૂથોને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કર્યા છે,
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ