સિરોહી, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.)
રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલોમાં લાગેલી ભીષણ આગે, ખૂબ મોટા વિસ્તારને પોતાની
ઝપેટમાં લઈ લીધો છે. આગને કારણે વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનને ભારે નુકસાન થયું
છે. આનાથી જંગલી પ્રાણીઓના અસ્તિત્વ સામે, ખતરો ઉભો થયો છે. આગ લાગ્યાના 20 કલાક
પછી પણ જંગલનો મોટો ભાગ હજુ પણ ધુમાડામાં ઘેરાયેલો છે. ઘણી જગ્યાએ હજુ પણ જ્વાળાઓ
જોવા મળે છે. આને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માઉન્ટ આબુનું જંગલ 300 થી વધુ રીંછનું કુદરતી નિવાસસ્થાન
છે. આ ઉપરાંત, આ જંગલમાં બીજા
ઘણા પ્રકારના જંગલી પ્રાણીઓ છે, જેમને નુકસાન થયું હોઈ શકે છે. આ આગની તીવ્રતા પરથી અંદાજ
લગાવી શકાય છે કે, કેટલા વન્યજીવોને અસર થઈ હશે. વન વિભાગે હજુ સુધી આ અંગે કોઈ
સત્તાવાર માહિતી આપી નથી. જોકે, સ્થાનિક લોકોનું માનવું છે કે, આગ એટલી ભયંકર છે કે ઘણા
પ્રાણીઓ તેનો ભોગ બન્યા હશે. આગને કાબુમાં
લેવા માટે રાહત કાર્યમાં વાયુસેના, સેના અને સીઆરપીએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
રવિવારે પણ 30 થી વધુ, વન વિભાગના કર્મચારીઓ આગ ઓલવવામાં રોકાયેલા હતા. હજુ પણ આગ
સંપૂર્ણપણે કાબુમાં આવી નથી.
વન વિભાગના જણાવ્યા અનુસાર,’છીપાબેરી
વિસ્તારમાં શનિવારે બપોરે 2 વાગ્યે આગ લાગી હતી. ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ
ગઈ અને સાંજે 5 વાગ્યા સુધીમાં તે લગભગ 100 હેક્ટર વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ
ગઈ. આગની તીવ્રતા એટલી મોટી હતી કે, તેનો ધુમાડો 17 કિલોમીટર દૂર ગંભીરી નદીના
કિનારેથી પણ જોઈ શકાતો હતો. જંગલમાં આગ ઓલવવાનું કાર્ય અત્યંત પડકારજનક હતું, કારણ કે ગાઢ જંગલ
વિસ્તારમાં ફાયર બ્રિગેડના વાહનો પહોંચવાનું શક્ય નહોતું. વનકર્મીઓએ સાધનો લઈને
પગપાળા અંદર જવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ વધુ વણસી જતાં, વાયુસેના અને
સેના પાસેથી મદદ માંગવામાં આવી, ત્યારબાદ માઉન્ટ આબુ એરફોર્સ સ્ટેશનથી ફાયર બ્રિગેડના વાહનો
અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.’
સેનાના જવાનોએ પણ લગભગ છ કલાક સુધી આગ ઓલવવાનો પ્રયાસ
કર્યો. રેન્જર ગજેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ,’જંગલની અંદર પાણી લઈ જવાનું શક્ય ન હતું, તેથી વનકર્મીઓએ
લોખંડના પંજાની મદદથી, ફાયર લાઇન બનાવીને આગનો ફેલાવો રોકવાનો પ્રયાસ કર્યો.
અત્યાર સુધીમાં લગભગ 80 ટકા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ગંભીરી
નાળાની આસપાસ હજુ પણ ધુમાડો નીકળતો જોઈ શકાય છે. આને નિયંત્રિત કરવાના પ્રયાસો
કરવામાં આવી રહ્યા છે. વન વિભાગ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યું છે. જોકે, એ સ્પષ્ટ નથી કે
આગ કુદરતી કારણોસર લાગી હતી કે, કોઈ માનવીય બેદરકારીનું પરિણામ હતું.’
હિન્દુસ્થાન સમાચાર / ઈશ્વર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ