પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) વર્ષ 2024-25 દરમિયાન પાટણ જિલ્લાની 9 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં કુલ 29,421 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી છે. આ દસ્તાવેજો દ્વારા સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાંથી રૂ. 1.04 અબજ અને નોંધણી ફીમાંથી રૂ. 16 કરોડથી વધુની આવક થઈ છે. ડબલ જંત્રીના ભાવે થયેલી નોંધણીઓથી સરકારી તિજોરીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી હોવા છતાં મકાન, દુકાન તેમજ ખેતીલાયક અને વ્યવસાયલાયક જમીનના સોદાઓમાં ઉછાળો આવ્યો છે. પાટણ શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મિલકત લેવડદેવડમાં તેજી જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મિલકત ખરીદીમાં નોંધણી ફી પર વિશેષ રાહતો આપે છે. વર્ષ દરમિયાન 4,564 મહિલા માફી દસ્તાવેજો નોંધાયા છે અને કુલ 4,786 મહિલાઓને રૂ. 4 કરોડથી વધુની નોંધણી ફી માફ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર