શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીના 125 વર્ષના અવસરે શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
વલસાડ, 3 એપ્રિલ (હિ.સ.) ભારતના મહાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીને 125 વર્ષ થયા એ પ્રસંગને ઉજવતાં ધરમપુરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના રથથી શોભાયમાન આ શોભાયાત્રામાં પ
Valsad


વલસાડ, 3 એપ્રિલ (હિ.સ.) ભારતના મહાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીને 125 વર્ષ થયા એ પ્રસંગને ઉજવતાં ધરમપુરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના રથથી શોભાયમાન આ શોભાયાત્રામાં પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી પણ એક રથમાં બિરાજમાન હતા. ભગવાનના આગમનની છડી પોકારતાં ઢોલ નગારાં સાથે હાથી, ઘોડા, ઊંટ, મ્યુઝિક બેન્ડ સાથે માનવ મહેરામણ ઉમટ્યો હતો. સ્ત્રીઓ માથા પર કળશ લઈને, શ્રીમદ્ રાજચંદ્રજી લિખિત વચનામૃતજીનું પવિત્ર પુસ્તક લઈને પોતાનો અહોભાવ દર્શાવતાં ચાલી રહી હતી. ધરમપુરની જે શેરીઓમાંથી આ શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યાં ત્યાં નગરજનો દર્શન સ્વાગત કરી રહ્યા હતાં. સ્થાનિક સંગઠનો, મંડળો પણ પૂજ્ય ગુરૂદેવશ્રીનું બહુમાન કરી રહ્યા હતા. અબાલવૃદ્ધ સહુ કોઈ અત્યંત ધર્મોલ્લાસપૂર્વક નાચતાં ગાતાં ધરમપુરના માર્ગો પર ઉત્સવનું વાતાવરણ સર્જી રહ્યાં હતાં.

ઉચ્ચ આત્મદશાવાન શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૦૦માં ગુડી પડવાના શુભ દિને ધરમપુરમાં પધાર્યા હતા અને ૩૫ દિવસ અહીં રહ્યા હતા. ધરમપુરની જે મોહનગઢ ટેકરી પર તેઓશ્રીએ સાધના કરી હતી, આજે ત્યાં જ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે, જે તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી સંસ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્યમથક છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી આ પવિત્ર અવસરે વિશ્વભરમાંથી આવેલ હજારો ભાવિકોએ આશ્રમમાં ‘શ્રીમદ્ રાજચંદ્રજી પધરામણી અષ્ટાહ્નિકા મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરી હતી. પૂજ્ય ગુરુદેવશ્રીના સત્સંગ, ભક્તિ કાર્યક્રમો, ધ્યાન પ્રયોગ, શ્રીમદ્જી જે સ્મશાનમાં સાધના કરતાં હતાં ત્યાં જાપ વગેરે અનેકવિધ અનુષ્ઠાનો દ્વારા ભક્તજનોએ શ્રીમદ્જીને સ્મરણાંજલિ અર્પી હતી. આશ્રમમાં આ પ્રસંગને ઉજવવા અન્ય અનેક સંતો પણ પધાર્યા હતાં. આ શુભ અવસરે આશ્રમમાં 450 તેમ જ ધરમપુર નગરમાં 70 થી વધુ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી તથા ચિત્રપટની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ઉજવણીઓ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રાના અંતે આશ્રમમાં એક દિવ્ય સંગીતમઢયા કાર્યક્રમ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીને લોકોએ અત્યંત ધર્મોલ્લાસથી વધાવી લીધી હતી. અને સાંજે ભક્તોએ રાસ ગરબા રમી પુલક મનાવ્યો હતો.

આ પાવન પ્રસંગની મુખ્ય વિશેષતા એ પણ રહી હતી કે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં સ્થાપિત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાજીનો મહામસ્તકાભિષેકનો દુર્લભ લાભ સહુ કોઈ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વાત વાયુવેગે ફેલાતાં વિશ્વભરમાંથી લોકો આશ્રમમાં આવ્યા હતાં અને 50,000 થી વધુ મહામસ્તકાભિષેક થયા હતા. 13 મી એપ્રિલ સુધી આ લાભ સર્વ કોઈ લઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીમદ્ રાજચંદ્રજીના વિરાટ વ્યક્તિત્વ સમ આ ઉચ્ચતમ પ્રતિમાજી પર થતો જળ અભિષેક, તે કરનારાઓના હૃદયમાં એક અદ્ભૂત અનુભૂતિ જન્માવે છે અને એ સમગ્ર દ્રશ્ય અત્યંત પવિત્ર અને મનોહારી બની રહે છે.

આ અવસરે ધરમપુર નગરવાસીઓ માટે 35 દિવસ સુધી અનેક સેવાકાર્યો અને વિવિધ ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આનંદોત્સવનો શુભારંભ સંપૂર્ણપણે ફ્રી મેડિકલ કેમ્પ અને ગીતા રબારીના લોકડાયરાથી થયો હતો. વિજેતાઓને પુરસ્કારો તેમ જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આ શુભ નિમિત્તે અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande