- જિલ્લા અને તાલુકા કક્ષાનાં પ્રશ્નો માટે 10 એપ્રિલ સુધીમાં વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે
સુરેન્દ્રનગર/અમદાવાદ,03 એપ્રિલ (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો પ્રશ્નો તથા ફરિયાદો સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રી તરફથી ગ્રામ્ય કક્ષાએ,તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ માસમાં 23 એપ્રિલ બુધવારના રોજ ગ્રામ્ય કક્ષાનો તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે.24 એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 11 કલાકે કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત 10 એપ્રિલ સુધીમાં ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો, ફરિયાદો જે તે તાલુકા વિકાસ અધિકારીને પહોંચતા કરવાના રહેશે. તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના તથા જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે 10 એપ્રિલ સુધીમાં swagat.gujarat.gov.in/cmog વેબ સાઈટ પર સાંજના 18 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકાશે. બે કરતા વધુ પ્રશ્નો રજૂ થશે તો તેવા પ્રસંગે ફકત પ્રથમ રજૂ થયેલા બે પ્રશ્નો જ માન્ય ગણાશે. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ માટે અરજદારોએ તેઓની અરજી પ્રશ્નો બે નકલમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને મોકલવાની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ