નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ). વિશ્વની બીજા નંબરની ટેનિસ ખેલાડી ઇગા સ્વિયાતેક, આગામી બિલી જીન કિંગ કપ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી.
23 વર્ષીય સ્વિયાતેકે કહ્યું કે, તેણીને તેની કારકિર્દી અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ સમયની જરૂર છે, જેનો અર્થ એ થયો કે તે 10-12 એપ્રિલે પોલેન્ડના શહેર રાડોમમાં સ્વિટ્ઝર્લૅન્ડ અને યુક્રેન સામે રાષ્ટ્રીય ટીમ માટે રમશે નહીં.
સ્વિયાતેકે કહ્યું કે, મને ખબર છે કે આ માહિતી ચાહકો માટે, ખાસ કરીને પોલિશ ચાહકો માટે નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ હાલમાં આ મારા માટે યોગ્ય નિર્ણય છે.
તેણીએ વધુમાં ઉમેર્યું, હું હંમેશા મારા દેશનું ગૌરવ સાથે પ્રતિનિધિત્વ કરું છું. મેં ગયા વર્ષે દેશ માટે બધી મોટી ટુર્નામેન્ટ રમી હતી. મને બીજેસી સેમિફાઇનલ અને યુનાઇટેડ કપ ફાઇનલમાં ટીમની ઐતિહાસિક સફળતા પર ગર્વ છે. હવે સમય આવી ગયો છે કે હું સંતુલન જાળવી રાખું, મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરું અને મારી તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરું. હું મારી ટીમ અને બધા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવું છું,
પાંચ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સ્વિયાતેક, તાજેતરમાં મિયામી ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં ફિલિપાઇન્સની 19 વર્ષીય એલેક્ઝાન્ડ્રા એલા સામે હારી ગયા હતા.
પ્રેક્ટિસ સેશન દરમિયાન એક દર્શક દ્વારા, સ્વિયાતેક સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યા બાદ, તેણીએ વધારાની સુરક્ષા હેઠળ મેચ રમી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ