- કોંગ્રેસ સરદાર સ્મારક પાસે કરશે CWCની બેઠક
અમદાવાદ,03 એપ્રિલ (હિ.સ.) અમદાવાદમાં આગામી 8-9 એપ્રિલના રોજ કોંગ્રેસનું 64 વર્ષ પછી રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. જેમાં 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જ્યારે 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના ત્રણ બ્લોકમાં વિશાળ એસી જર્મન ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. અંદાજે 3,000 જેટલા લોકો બેસી શકે તેની વ્યવસ્થા સાથેના ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. ડોમ ઉભો કરવાની હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે. A,B અને C એમ ત્રણ બ્લોકમાં આખો ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે.
8 એપ્રિલે 11 વાગ્યે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના CWCના સભ્યો હાજર રહેશે. CWCની બેઠકને લઈને સરદાર પટેલ સ્મારકમાં જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. સ્મારકમાં આવેલા ગ્રાઉન્ડમાં વિશિષ્ટ પ્રકારનો એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ ડોમમાં CWCની બેઠક મળશે.CWCની બેઠક પહેલા સભ્યો સરદાર પટેલ સ્મારક બહાર એક ગ્રુપ ફોટો પડાવશે. આ ગ્રુપ ફોટો બાદ સ્મારકમાં આવેલા હોલ સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાં CWCની બેઠક યોજાશે. ત્યારબાદ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા પણ યોજાશે.
CWCની બેઠક માટે સરદાર પટેલ સ્મારકમાં આવેલા હોલ સામે એક વિશિષ્ટ પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.150થી વધુ લોકો બેસી શકે તે પ્રકારનો એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલ સુધીમાં ડોમ તૈયાર થશે.આ ડોમમાં બેઠક વ્યવસ્થા C શેપમાં રાખવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા અધિવેશનમાં અંદાજે 3,000 જેટલા લોકો ભાગ લેવાના છે, ત્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સિવાયના હોદ્દેદારો અને અલગ મોરચાના હોદ્દેદારો માટે પણ જમણવાર માટે અલગથી ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. 9 એપ્રિલે અમદાવાદમાં અંદાજે 44 ડિગ્રીની આસપાસ ગરમી રહે તેવી શક્યતા છે ત્યારે રિવરફ્રન્ટ પર બનાવાયેલો વિશાળ ડોમ આખો બંધ હશે. જેમાં અંદાજે 300થી વધારે પોર્ટેબલ એસી લગાવવામાં આવી રહ્યાં છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ