ગાઝા પટ્ટી, નવી દિલ્હી, 20 મે (હિ.સ.) ઇઝરાયલી સેનાએ છેલ્લા સાત દિવસમાં 670 થી વધુ આતંકવાદી જૂથ હમાસ પર ભીષણ હુમલો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 136 લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે, ગાઝામાં ખોરાકનો મૂળભૂત જથ્થો પ્રવેશવાની મંજૂરી આપી છે.
સીએનએન ચેનલના સમાચાર અનુસાર, ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે તેણે એન્ક્લેવમાં પ્રારંભિક હવાઈ હુમલામાં 670 થી વધુ હમાસના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. યુકે સ્થિત સંગઠન અનુસાર, સોમવારે સવારે ઇઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં નાસેર મેડિકલ કોમ્પ્લેક્સના તબીબી પુરવઠા વેરહાઉસ પર હુમલો કર્યો હતો.
ગાઝાના આરોગ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 136 લોકોએ જીવ ગુમાવ્યા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવારથી સોમવાર સુધીમાં 400 થી વધુ લોકો માર્યા ગયા અને 1,000 થી વધુ ઘાયલ થયા. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી ગાઝામાં 53,000 થી વધુ લોકો માર્યા ગયા છે.
ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે રવિવારે જણાવ્યું હતું કે, દુષ્કાળને રોકવા માટે ગાઝામાં મૂળભૂત માત્રામાં ખોરાક પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આનાથી તેના લશ્કરી કાર્યવાહી જોખમમાં મુકાઈ શકે છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, એવો પણ સંકેત આપ્યો છે કે, જો ઇઝરાયલ 11 અઠવાડિયાની નાકાબંધી હટાવશે નહીં, તો તે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત તેના નજીકના સાથીઓનો ટેકો ગુમાવી શકે છે.
યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને કેનેડાએ, ઇઝરાયલને ગાઝામાં તેના લશ્કરી કાર્યવાહી બંધ કરવા અને માનવતાવાદી સહાયના પ્રવેશને મંજૂરી આપવા હાકલ કરી છે. આ દેશોના નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, જો ઇઝરાયલ આક્રમણ બંધ નહીં કરે અને માનવતાવાદી સહાય પરના તેના પ્રતિબંધો હટાવશે નહીં, તો તેના જવાબમાં વધુ નક્કર પગલાં લેવામાં આવશે. આમાં લક્ષિત પ્રતિબંધો પણ શામેલ હોઈ શકે છે.
જવાબમાં વડાપ્રધાન નેતન્યાહૂએ, આ નેતાઓ પર સાત ઓક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કરનારા હમાસ આતંકવાદીઓને પુરસ્કાર આપવા અને તેમના અત્યાચારોને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુકે સહિત 23 દેશોના વિદેશ પ્રધાનો અને ઈયુ પ્રતિનિધિઓએ ઇઝરાયલને, ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર અને માનવતાવાદી સંગઠનોને મુક્ત અને નિષ્પક્ષ રીતે કામ કરવામાં મદદ કરવા વિનંતી કરી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ