વોશિંગ્ટન, નવી દિલ્હી, 22 મે (હિ.સ.) અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં કેપિટલ યહૂદી સંગ્રહાલય પાસે ગોળીબારથી સનસનાટી મચી ગઈ. ઇઝરાયલી દૂતાવાસના કર્મચારીઓને ગોળી વાગી. ગોળીબારમાં બે લોકોના મોત થયા. એક વ્યક્તિ ઘાયલ હોવાનું કહેવાય છે. બુધવારે રાત્રે એફબીઆઈના વોશિંગ્ટન ફિલ્ડ ઓફિસની સામેના રસ્તા પર આ ગોળીબાર થયો હતો. દૂતાવાસના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે, રાજદૂત સુરક્ષિત છે. ગોળીબાર સમયે તેઓ ત્યાં નહોતા.
સીએનએન ચેનલના સમાચાર અનુસાર, એવું માનવામાં આવે છે કે, પીડિતો ઇઝરાયલી દૂતાવાસના કર્મચારીઓ છે. તેમને કેપિટોલ યહૂદી સંગ્રહાલય નજીક ગોળી વાગી હતી. કાયદા અમલીકરણ સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બે લોકોના મોત થયા છે અને તેમાંથી એક દૂતાવાસ સાથે સંકળાયેલો હોવાની શંકા છે. વોશિંગ્ટન ડીસી પોલીસે જણાવ્યું હતું કે, તે એફબીઆઈના વોશિંગ્ટન ફિલ્ડ ઓફિસની સામેના રસ્તા પર થયેલા ગોળીબારની તપાસ કરી રહી છે. આ સ્થળ કેપિટલ યહૂદી સંગ્રહાલયની નજીક આવેલું છે. કાયદા અમલીકરણ એજન્સી ઇઝરાયલી દૂતાવાસ સાથે મળીને તપાસ કરી રહી છે.
દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું છે કે, ઇઝરાયલી રાજદૂત સુરક્ષિત છે. ગોળીબાર સમયે તેઓ તે સ્થળે નહોતા. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ તેઓ કાર્યકારી યુએસ એટર્ની જીનીન પિરો સાથે કેપિટોલ યહૂદી સંગ્રહાલય પહોંચ્યા.
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને એક્સ હેન્ડલ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયમાં આયોજિત કાર્યક્રમની બહાર થયેલા ઘાતક ગોળીબારમાં ઇઝરાયલી દૂતાવાસના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. આ યહૂદી વિરોધી આતંકવાદનું ઘૃણાસ્પદ કૃત્ય છે. અમેરિકન યહૂદી સમિતિના સીઈઓ ટેડ ડ્યુચે જણાવ્યું હતું કે, તેમની સંસ્થાએ બુધવારે સાંજે મ્યુઝિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ આ ઘટનાથી આઘાત પામ્યા છે. સ્થળની બહાર હિંસાની આ અકલ્પનીય ઘટના છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ