
તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 6 માર્ચ (હિ.સ.): અમેરિકી-ઈઝરાયલી સંયુક્ત લશ્કરી કાર્યવાહીથી ઈરાન હચમચી ગયું છે. યુદ્ધના છઠ્ઠા દિવસે, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં વિશ્વના સૌથી સુંદર અને પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્ટેડિયમમાંના એક, આઝાદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને નિશાન બનાવ્યું. બોમ્બ વિસ્ફોટથી તેનું 12,000 બેઠકો ધરાવતું ઇન્ડોર એરેના સંપૂર્ણપણે નાશ પામ્યું.
ઈરાન ઈન્ટરનેશનલ અખબારના અહેવાલ મુજબ, ઈરાની સરકારે આઝાદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર યુએસ-ઈઝરાયલી હુમલાની નિંદા કરી છે. ઈરાને સ્વીકાર્યું છે કે સ્થળ પર સ્થિત 12,000 બેઠકો ધરાવતું ઇન્ડોર સ્ટેડિયમ નોંધપાત્ર નુકસાન થયું છે.
રમતગમત મંત્રી અહમદ દોન્યામાલીએ સ્થળની મુલાકાત લીધી અને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદા અને ઓલિમ્પિક ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે વિશ્વને દેશને જવાબદાર ઠેરવવા અપીલ કરી. અમેરિકા અને ઈઝરાયલે આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.
તેહરાનનું આઝાદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઈરાનનું સૌથી મોટું અને સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. ફૂટબોલ સ્ટેડિયમની ક્ષમતા આશરે 78,000 થી 100,000 લોકોની છે.
ઇન્ડોર એરેનાનો ઉપયોગ વોલીબોલ, કુસ્તી, બાસ્કેટબોલ અને ફૂટસલ માટે કરવામાં આવે છે. આ સંકુલમાં કૃત્રિમ તળાવ (રોઇંગ અને કાયકિંગ માટે), સ્વિમિંગ સેન્ટર, વેલોડ્રોમ (સાયકલિંગ) અને તાલીમ મેદાન સહિત અન્ય સુવિધાઓ પણ છે. તેનું ઐતિહાસિક મહત્વ પણ છે.
તે 1974 એશિયન ગેમ્સનું આયોજન કરવા માટે મોહમ્મદ રજા શાહના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેણે 1976 એએફસી એશિયન કપ સહિત અનેક મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. મૂળ રૂપે આર્યમેહર સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું, તેનું નામ 1979 ઈરાની ક્રાંતિ પછી આઝાદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું હતું.
ઈરાની સરકારે સ્વીકાર્યું કે, 5 માર્ચના હવાઈ હુમલામાં ઇન્ડોર એરેના, સાયકલિંગ ફેડરેશનની નવી ઇમારત અને ડોર્મિટરીઝ સાથે નોંધપાત્ર નુકસાન થયું હતું. સરકારે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. આ સંકુલ તેહરાનની પશ્ચિમમાં એકબતન જિલ્લાની નજીક સ્થિત છે.
અમેરિકન ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે ઈરાનને ચેતવણી આપી હતી કે, યુદ્ધ હમણાં જ શરૂ થયું છે. તેમણે ચેતવણી આપી હતી કે, હજી વધુ મોટી લડાઇ શક્તિ આવવાની બાકી છે. તેમણે કહ્યું કે, અમેરિકા અને ઇઝરાયલી દળો તેમની વર્તમાન ક્ષમતાઓ કરતા અનેક ગણી મોટી શક્તિ સાથે હુમલો કરશે. વોશિંગ્ટન લશ્કરી કાર્યવાહી બંધ કરશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ