પાટણ, 8 મે (હિ.સ.)શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય, પાટણ શહેરે SSC બોર્ડની પરીક્ષામાં 84.94% પરિણામ સાથે શાનદાર સફળતા મેળવી છે. આ શાળા છેલ્લા ત્રણ વર્ષથી શૈક્ષણિક અને વ્યવસાયલક્ષી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. શાળાએ HSC બોર્ડમાં સતત બે વર્ષથી 100% અને ધોરણ 10માં છેલ્લા બે વર્ષથી લગભગ 85% પરિણામ હાંસલ કર્યું છે. શાળામાં મુખ્યત્વે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે અને તેમને નિઃશુલ્ક કોચિંગ જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ મળી રહે છે.
આ વર્ષે પરીક્ષામાં ટોપ 5 વિદ્યાર્થીઓમાં જાનવી મહેતા 89.50% સાથે પ્રથમ, મયુરી ચાવડા 80.83% સાથે દ્વિતીય, પ્રિયા ઠાકોર 79.67% સાથે તૃતીય, સાયમા ફકીર 75.83% સાથે ચોથા અને ચેતના મહેશ્વરી 75.33% સાથે પાંચમા ક્રમે રહી છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા તરફથી અભિનંદન આપવામાં આવ્યા છે.
શાળાનું પરિણામ 2014થી 2023 દરમિયાન 27% થી 45% જેટલું અસ્થિર રહ્યું હતું, જ્યારે છેલ્લા બે વર્ષમાં તે નોંધપાત્ર રીતે વધીને 2024માં 84.72% અને 2025માં 84.94% થયું છે. આ સફળતાનું શ્રેય શાળાની આધુનિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તથા શિક્ષકોના વિદ્યાર્થી પ્રત્યેના સકારાત્મક અભિગમને જાય છે. આચાર્ય ડૉ. દિનેશ પ્રજાપતિ અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને તેમના ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર