સુરત, 9 મે (હિ.સ.)-શહેરના પિપલોદ વિસ્તારમાં આવેલ રાહુલરાજ મોલની નજીક આવેલા ગલીમાં રાત્રિના સમયે સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ચાની ટપરી પર સ્ટુલ પર બેસવા બાબતે શરૂ થયેલો વિવાદ અહિંસક હુમલામાં પરિણમ્યો હતો, જેમાં ચાર શખ્સોએ બે યુવકો પર ધાડપાટ કરી એકને ચપ્પુના ઘા ઝીંકી ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી.
સુમન કાવ્યા એસએમસી આવાસમાં રહેતા 19 વર્ષીય દિવ્યાંગ ઉર્ફે દેવા શ્યામસુંદર સિંઘ, જે મોબાઇલની દુકાન ચલાવે છે, તેના ત્રણ મિત્ર હિમેશ, શુભમ અને સોહેલ સાથે 7 મેની રાત્રે 10:30 વાગ્યે ચા પીવા માટે રાહુલરાજ મોલની બાજુની ગલીમાં ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ, ચાની ટપરી પર બેઠેલી જગ્યાને લઈને અનિકેત અને ગનિયો નામના શખ્સો સાથે વિવાદ થયો.
વિવાદ બાદ અનિકેત લોખંડનો રોડ લાવી દિવ્યાંગના માથામાં ઘા મર્યો. ગનિયાએ અને તેના બે અજાણ્યા સાથીઓએ મળીને દિવ્યાંગ અને તેના મિત્ર સોહેલને ઢીકમૂક્કા, લાફા અને ચપ્પુના ઘા ઝીંકી માર માર્યો હતો. દિવ્યાંગ પર બેરહેમીથી હુમલો કરી તેના ડાબા પગ, ઝાંઘ, પીઠ અને જમણા હાથ પર ઈજાઓ પહોંચાડી હતી.
ઘાયલ દિવ્યાંગને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને હાલ પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે. ઉમરા પોલીસે અનિકેત, ગનિયો અને તેમના બે સાગ્રણીઓ સામે કલમ 307 સહિતની કલમો હેઠળ હત્યાની કોશિશનો ગુનો દાખલ (8 મે 2025) કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે