ગાંધીનગર, 9 મે (હિ.સ.) : કલેકટર ગાંધીનગર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને તા. 09/05/2025,ના રોજ પેટ્રોલીયમ કંપનીઓના અધિકારીઓ/પેટ્રોલપંપના માલીક તથા ગેસ એજન્સીના સંચાલકઓ, જિલ્લાની સુપર માર્કેટ ,પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, રિલાયન્સ માર્ટ જેવા મોલ ઓનરો, જી.આ.ઇ.ડી.સી તથા એ.પી.એમ.સીના ચેરમેનઓ સાથે બેઠક યોજાઈ હતી.
‘Food and fuel' એટલેકે ખોરાક અને ઈંધણ એ કાયમી જરુરીયાતની ચીજો છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા લોકોમાં ડર અને અફરાતફરીનો માહોલ ન સર્જાય તથા, લોકો અફવાઓથી પ્રેરાઇ સંગ્રહખોરી માટે બેફામ ખરીદી ન કરે, તથા વેચાણકારો પણ સંગ્રહ વૃત્તિ કે કાળા બજારી ન કરતા સામાન્ય પરિસ્થિતિ જેમ જ વર્તે તે જરૂરી છે.
‘We are for the nation’ ના સુત્ર સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા, અને સુરક્ષાના ભાગરૂપે સજ્જ રહેવા કલેક્ટર મેહુલ કે. દવેએ આ બેઠક અંતર્ગત અનુરોધ કરતા ફૂડ અને ફ્યુઅલ વિતરણ સાથે જોડાયેલા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઇંધણ તે આપણી સામાન્ય જરૂરિયાતોનો એક ભાગ છે. હાલ દેશમાં જે માહોલ છે તેનાથી ગભરાવાની કે પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલ આપણા સૈન્ય દળોએ જે રીતે સરહદ પર પરિસ્થિતિ સંભાળી છે, તેમના પર ગર્વ અનુભવતા આપણે સૌ સુરક્ષિત છીએ.માટે અહીં સુધી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જવાની નથી જ, પરંતુ તૈયારીના ભાગરૂપે આ બેઠક યોજાઈ છે, તેમ જણાવતા કલેક્ટર ઉમેર્યું હતું કે, આ બેઠકનું બીજો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈપણ પેનિક વિના બધી જ વ્યવસ્થાઓ અને જીવનશૈલી કાર્યરત રહે તે માટે આપણે સૌએ સાથે મળીને પરિસ્થિતિને સંભાળવાની છે.
આ સાથે જ ફૂડ અને ફ્યુઅલના ડીલરોને જિલ્લા પુરવઠા અધિકારી તથા જિલ્લા પોલીસ અધિકારી તરફથી સામાન્ય સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જે મુજબ તમામ ડીલરોએ રોજિંદા સ્ટોક ની માહિતી, લોકેશન સ્ટોરેજ ડીસ્ટ્રિબ્યુશન તથા સ્ટાફ ની વિગતો આપવાની રહેશે. આ પરિસ્થિતિમાં કોઈપણ ડરનો માહોલ ન સર્જાય અને અફવાનો ફેલાવો ન થાય તેવી યોગ્ય વ્યવસ્થા જળવાય તે માટે પણ સર્વે સજ્જ રહેવા જણાવાયું છે. ઉપરાંત નફા-ખોરી કાળા બજારી જેવી પરિસ્થિતિ ન થાય તેની પણ તાકીદ કરતા જણાવાયું હતું કે, જો આવી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો વહિવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર કામગીરી બદલ દંડાત્મક પગલાં પણ લેવામાં આવશે. માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પોલીસી પ્રમાણે સર્વે ડીલરોએ કાર્ય કરવાનું રહેશે, જો સંદીગ્ધ વ્યક્તિ કે વસ્તુની જાણ થાય તો સૌ પ્રથમ તેમણે પોલીસ કે વહીવટી તંત્રનો સંપર્ક કરવાનો રહેશે.
આ બધા ઉપરાંત સૌથી મહત્વનો મુદ્દો જણાવતા પોલીસ અધિકારી જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો સામે સર્તક રહો કાયદો હાથમાં લેવાનો નથી, પણ પોલીસને 100 નંબર પર તુરંત જાણ કરો,. તેમ છતાં જો રિસ્પોન્સ ન મળે તો જિલ્લા કંટ્રોલરૂમ નો નંબર 99 78 40 59 68 પર તાત્કાલિક જાણ કરો, દરેક ડીલરો પોતાના પેટ્રોલ પંપ મોલ કેક અન્ય કોઈપણ જગ્યાએ સીસીટીવી યોગ્ય રીતે કાર્યરત છે કે, કેમ તે તુરંત ચકાસી લે અને જરૂર લાગે તો સીસીટીવી લગાવડાવી લે, નજીકના પોલીસ સ્ટેશન તથા ફાયર બ્રિગેડ વગેરેનો નંબર પણ મેળવી રાખવાની આ તકે સુચના અપાઈ છે જેથી કોઈપણ ઘટના બને તો સમયસર યોગ્ય કાર્યવાહી થઈ શકે.
આ બધી સામાન્ય સૂચનાઓ ઉપરાંત કલેકટર દ્વારા એવો પણ સંદેશ આપવામાં આવ્યો હતો કે, અહીં હાજર કોઈ પણ વ્યક્તિ દ્વારા અફવાનો ફેલાવો ન થાય તેની તકેદારી રાખવી. જેમ કે, 'કલેક્ટરએ તાત્કાલિક મુલાકાત ગોઠવી ઇમર્જન્સી છે,' આટલા શબ્દો પણ સામાન્ય નાગરિકોને ડરાવી શકે છે. માટે આપણે એકદમ સામાન્ય માહોલમાં જીવનશૈલી બની રહે તેવા સહિયારા પ્રયત્નો કરવાના છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ