નવી દિલ્હી, 9 મે (હિ.સ.) કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ્સ માટે, મૂડીની પહોંચ વધારવા માટે ક્રેડિટ ગેરંટી યોજનાનો વિસ્તાર કર્યો છે. સરકારે સ્ટાર્ટઅપ્સ માટે, ક્રેડિટ ગેરંટી યોજના (સીજીએસએસ) માં ગેરંટી મર્યાદા બમણી કરવા માટે એક સૂચના જારી કરી છે. આ યોજના હેઠળ, બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને, સ્ટાર્ટઅપ્સને લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (ડીપીઆઈઆઈટી ) એ, સીજીએસએસ ના વિસ્તરણને સૂચિત કર્યું છે, જે હેઠળ યોજના હેઠળ દરેક ઉધાર લેનાર માટે ગેરંટી કવરની મહત્તમ મર્યાદા 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે, 10 કરોડ રૂપિયા સુધીની લોન રકમ માટે ગેરંટી કવરની મર્યાદા પણ ડિફોલ્ટ રકમના 85 ટકા અને 10 કરોડ રૂપિયાથી વધુ લોન રકમ માટે ડિફોલ્ટ રકમના 75 ટકા કરવામાં આવી છે. આ યોજનાનો વિસ્તરણ કેન્દ્રીય બજેટ 2025-26 માં કરવામાં આવેલી જાહેરાતને અનુરૂપ છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી યોજના (સીજીએસએસ) 6 ઓક્ટોબર, 2022 ના રોજ સૂચિત કરવામાં આવી હતી, જે 16 જાન્યુઆરી, 2016 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના વ્યાપક વિઝનનો એક ભાગ હતો. આ યોજના કાર્યકારી મૂડી, ટર્મ લોન અને વેન્ચર ડેટ જેવા સાધનો દ્વારા કોલેટરલ-મુક્ત દેવું ધિરાણને સરળ બનાવવા માટે રચાયેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ