પાટણ, 4 જૂન (હિ.સ.)હારીજના વોર્ડ નં. 5ના જલારામ પાર્ક વિસ્તારમાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે, જ્યાં સ્થાનિક મહિલાઓએ ભૂગર્ભ ગટરની સફાઈ જાતે કરવાની ફરજ પડી. ભારે દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વચ્ચે મહિલાઓએ પોતાના સ્તરે સફાઈ કરી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી.
સ્થાનિક રહીશોએ 15 દિવસ પહેલાં પાલિકાને ગટરની સમસ્યા અંગે ફરિયાદ કરી હતી, પણ કોઈ કાર્યવાહી ન થતાં પરિસ્થિતિ વધારે બગડી હતી. મહિલાઓએ રોગચાળો ન ફેલાય તે માટે પોતાની જવાબદારી નિભાવી, જે પાલિકા તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે.
આ મામલે ચીફ ઓફિસર આશિસભાઈ દરજીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરી પાસેથી પહેલાથી ફાળવાયેલા જેટિંગ કમ સક્શન મશીનનો 15 દિવસ ઉપયોગ કર્યો હતો અને પરત મોકલી આપ્યો છે. હાલ ફરીથી મશીન ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે, પણ હજી સુધી ફાળવણી કરવામાં આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર