નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.). આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે પણ સેવા આપશે.
શુક્રવારે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, કુમાર મંગલમ બિરલા તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાયા છે. કુમાર મંગલમ બિરલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે પણ સેવા આપશે.
યુએસઆઈએસપીએફ એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આદિત્ય બિરલા ગ્રુપ યુએસમાં સૌથી મોટું ભારતીય ગ્રીનફિલ્ડ રોકાણકાર છે, જેનું રોકાણ 15 બિલિયન યુએસ ડોલરથી વધુ છે. આ ગ્રુપ 15 રાજ્યોમાં ધાતુઓ, કાર્બન બ્લેક અને રસાયણો જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.
કુમાર મંગલમ બિરલાએ કહ્યું, યુએસઆઈએસપીએફની એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાવું મારા માટે સન્માનની વાત છે. ખૂબ જ ટૂંકા સમયમાં, યુએસઆઈએસપીએફ અમેરિકા અને ભારત વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને આકાર આપવા અને મજબૂત બનાવવામાં એક મજબૂત બળ બની ગયું છે. બંને દેશો વચ્ચે સંવાદ, સહયોગ અને વિશ્વાસને પ્રોત્સાહન આપવામાં તેના યોગદાનથી અર્થપૂર્ણ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું, યુએસ-ભારત ભાગીદારી વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીઓમાંની એક છે, હું લાંબા સમયથી માનતો આવ્યો છું કે જ્યારે આપણા બંને દેશો હેતુ અને સ્પષ્ટતા સાથે એક સાથે આવે છે, ત્યારે તેઓ વૈશ્વિક વાણિજ્ય અને નવીનતાની દિશામાં સુધારો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કુમાર મંગલમ બિરલાને તાજેતરમાં વોશિંગ્ટન ડીસીમાં આયોજિત 2025 યુએસઆઈએસપીએફ લીડરશીપ સમિટમાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ