નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) '12મી ફેઇલ'થી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેતા વિક્રાંત મેસી હવે નવી ફિલ્મ 'આંખો કી ગુસ્તાખિયાં'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે શનાયા કપૂર સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.
વિક્રાંતે તેની આગામી ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી છે, જે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની બાયોપિક છે. તાજેતરમાં શ્રી શ્રી રવિશંકર સાથે, વિક્રાંતની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તે આ બાયોપિકમાં જોડાયો છે. હવે ફિલ્મ અંગે કેટલાક નવા અપડેટ્સ સામે આવ્યા છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પાત્રમાં વિક્રાંતનો દેખાવ ફક્ત તેની કારકિર્દી માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે, પરંતુ દર્શકો માટે એક અલગ અને પ્રેરણાદાયક અનુભવ પણ હશે.
વિક્રાંત મેસી, ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'વ્હાઇટ'નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરના જીવન પર આધારિત છે. અહેવાલો અનુસાર, 'વ્હાઇટ' ફિલ્મનું લગભગ 90 ટકા શૂટિંગ દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં થશે. વાસ્તવમાં, આ ફિલ્મ ફક્ત બાયોપિક નથી, પરંતુ કોલંબિયામાં 52 વર્ષ લાંબા સશસ્ત્ર સંઘર્ષ અને તેમાં શાંતિ રાજદૂત તરીકે, શ્રી શ્રી રવિશંકરની ભૂમિકા પણ દર્શાવવામાં આવશે. આ ઘટનાઓ મુખ્યત્વે કોલંબિયામાં બની હોવાથી, નિર્માતાઓએ નક્કી કર્યું છે કે ફિલ્મનું શૂટિંગ પણ ત્યાં જ કરવામાં આવશે, જેથી તેની વાસ્તવિકતા અને ભાવનાત્મક ઊંડાણ જાળવી શકાય. ફિલ્મનું આ આંતરરાષ્ટ્રીય પાસું તેને દર્શકો માટે વધુ ખાસ બનાવે છે.
વિક્રાંત મેસી, આ દિવસોમાં તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ 'વ્હાઇટ' માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તાજેતરમાં તેઓ બેંગલુરુના આર્ટ ઓફ લિવિંગ આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શ્રી શ્રી રવિશંકર દ્વારા શરૂ કરાયેલા હેપ્પીનેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, વિક્રાંતે ધ્યાન, પ્રાણાયામ અને યોગ જેવા વ્યવહારો સાથે રવિશંકરની જીવનશૈલી અને વિચારધારાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો. તેમનો હેતુ એ છે કે, ફિલ્મમાં ભજવાયેલ પાત્ર સંપૂર્ણપણે વાસ્તવિક દેખાય. વિક્રાંતે પોતાના દેખાવમાં પણ ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે, તેણે વાળ અને દાઢી વધારી છે અને શ્રી શ્રી રવિશંકરની બોલવાની, સ્મિત કરવાની અને ચાલવાની રીત પણ અપનાવી લીધી છે. તે નિયમિતપણે તેમના પ્રવચનોના વીડિયો પણ જોઈ રહ્યો છે જેથી તે પાત્રની ભાવનાને પકડી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિક્રાંત ટૂંક સમયમાં કોલંબિયા જશે, જ્યાં ફિલ્મ 'વ્હાઇટ'નું શૂટિંગ શરૂ થવાનું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ