મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચોમાસાના વરસાદે ફરી ત્રાટક્યું છે. ખાસ કરીને ખેરાલુ તાલુકાના લાલાવાડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતાં માર્ગસંચારમાં વિઘ્ન ઊભું થયું છે.
ખેરાલુના ચિમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે આવેલા કોઝવે ઉપરથી પસાર થતી એક કાર પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકોના સમયસૂચક પ્રયાસથી કારચાલકને મહામુસીબતે બચાવાયો હતો. મળતી માહિતી મુજબ કોઝવે પર લગભગ 2 ફૂટ ઊંડો પ્રવાહ રહ્યો હતો, જે ખૂબ જોખમી સાબિત થયો.
આ ઘટનાની અસર એવાં વિસ્તારના અન્ય ગામો જેવા કે લાલાવાડા અને ચોટીયા સુધી પહોંચી હતી, જ્યાં રસ્તા બંધ થતા વાહનોના લાંબા જથ્થા પાછળ અટવાઈ ગયા અને ટ્રાફિકની સ્થિતિ ગૂંચવાઈ ગઈ.એક તરફ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે તો બીજી તરફ લોકોને રોજિંદા જીવન અને મુસાફરીમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે અને નદી-નાળાના નજીક ન જવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR