પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ વહેલી સવારથી સતત ચાલુ રહ્યો છે. અત્યાર સુધીમાં 8 ઇંચથી વધુ એટલે કે 192 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
પેપલ્લા વિસ્તારમાં 200થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને ઋષિ તળાવ વિસ્તારમાં 250 જેટલા મકાનો અસરગ્રસ્ત બન્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી છે અને લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. કાકોશી અને છેલપુરા જેવા વિસ્તારોમાં પણ પાણી ઘૂસવાથી ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે.
સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામમાંથી પસાર થતી ખારો વહો નદીમાં નવા નીરની આવક થતા આ સીઝનમાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. જોકે, નદીમાં પાણી ફરી વળતાં કાલેડા-વદાણી કોઝવે બંધ થઈ ગયો છે અને આસપાસના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. મામવાડા ગામ પણ જળમગ્ન થયું છે અને લોકો ઘરોમાં ફસાયા છે.
સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ખડીયાસણ અને મેત્રાણા ગામની મુલાકાત લીધી હતી. ઉમરદશી નદી ઓવરફ્લો થવાને કારણે તેમણે આસપાસના વિસ્તારોનું અધિકારીઓની હાજરીમાં નિરીક્ષણ કર્યું અને રાહત કાર્ય ઝડપથી શરૂ કરવા સૂચના આપી.
પાટણ જિલ્લામાં ગત રાતથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સિદ્ધપુરમાં સૌથી વધુ 192 મીમી, પાટણમાં 109 મીમી, સરસ્વતી તાલુકામાં 79 મીમી, રાધનપુર 59 મીમી, સાંતલપુર અને હારીજમાં 38 મીમી, સમી 31 મીમી, ચાણસ્મા 28 મીમી અને શંખેશ્વરમાં 17 મીમી વરસાદ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર