વિપક્ષી નેતા જયરામ ઠાકુરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, હિમાચલ આપત્તિ પર વિસ્તાર-વિશિષ્ટ રાહતની માંગ કરી
શિમલા, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા જયરામ ઠાકુરે, સોમવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં થયેલા ભારે નુકસાન વિશે વિગતવાર માહિતી આપી.
પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરતા વિપક્ષી નેતા જયરામ ઠાકુર


શિમલા, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા જયરામ ઠાકુરે, સોમવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં થયેલા ભારે નુકસાન વિશે વિગતવાર માહિતી આપી. પ્રધાનમંત્રીએ તાજેતરની આપત્તિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને પુનર્વસન અને પુનર્નિર્માણમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

જયરામ ઠાકુરે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા કે, આ આપત્તિમાં માત્ર લોકોના ઘરો જ નાશ પામ્યા નથી, પરંતુ ઘણી જગ્યાએ જમીન પણ ધોવાઈ ગઈ છે, જેના કારણે અસરગ્રસ્ત લોકો પાસે તેમના ઘરો ફરીથી બનાવવા માટે જગ્યા નથી. તેમણે માંગ કરી કે, આવા લોકોના પુનર્વસન માટે 'વન સંરક્ષણ કાયદા'માં છૂટછાટ આપવામાં આવે જેથી તેઓ સુરક્ષિત સ્થળોએ સ્થાયી થઈ શકે.

જયરામ ઠાકુરે હિમાચલની ભૌગોલિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્ય માટે 'વિસ્તાર-વિશિષ્ટ' રાહત પેકેજની પણ માંગ કરી. તેમણે કહ્યું કે આ પ્રકારની લક્ષિત મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી પુનર્નિર્માણ શક્ય બનશે.

ઠાકુરે જણાવ્યું હતું કે, આ કુદરતી આફતને કારણે રાજ્યને કુલ 1200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, જેમાં એકલા સરાજ વિધાનસભા મતવિસ્તારમાં 1000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે, 30 જૂનની રાત્રે સરાજ, કરસોગ અને નાચન વિસ્તારોમાં કુલ 42 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 29 લોકોના મોત એકલા સરાજમાં જ થયા છે. 500 થી વધુ ઘરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા અને 1000 ઘરોને નુકસાન થયું હતું, જે હવે રહેવા માટે અયોગ્ય છે. તે જ સમયે, મંડી જિલ્લાના ધરમપુરના સ્યાઠી ગામના લોકો જમીનના સંપૂર્ણ ધ્વંસને કારણે હજુ પણ ખુલ્લા આકાશ નીચે જીવી રહ્યા છે.

જયરામ ઠાકુરે પ્રધાનમંત્રીને રાજ્યમાં વારંવાર થતી કુદરતી આફતોના કારણો પર વૈજ્ઞાનિક અભ્યાસ કરાવવા વિનંતી પણ કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ આફતોના મૂળ કારણોને સમજાતું નથી, ત્યાં સુધી દર વર્ષે જાનમાલનું નુકસાન થતું રહેશે.

વિપક્ષના નેતાએ આપત્તિ દરમિયાન રાહત અને બચાવ કામગીરીમાં, કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા તમામ શક્ય સમર્થન બદલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ શુક્લા / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande