વડોદરા, 4 જુલાઈ (હિ.સ.)- વડોદરા શહેરમાં એક જ દિવસે બે અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઈ છે. સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ત્યારપછી દિવાળીપુરા વિસ્તારની ડી.આર. અમીન સ્કૂલને મળેલી ઈમેઇલ ધમકીઓથી બંને સ્કૂલોમાં હડકંપ મચી ગયો હતો.
સિગ્નસ સ્કૂલના મેનેજમેન્ટને મળેલા ઇમેઇલમાં જણાવાયું હતું કે સ્કૂલમાં આરડીએક્સ મૂકવામાં આવ્યું છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે. ઇમેઇલ મળતાં તાત્કાલિક સ્કૂલ ખાલી કરાવી દેવાઈ હતી અને ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તપાસ દરમિયાન કશું શંકાસ્પદ મળી આવ્યું નહોતું.
આ દરમિયાન ડી.આર. અમીન સ્કૂલને પણ બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો મેસેજ મળતાં શિક્ષણ કાર્ય બંધ કરાયું હતું. વાલીઓ પણ મોટી સંખ્યામાં સ્કૂલે દોડી આવ્યા હતા. પોલીસને મળેલી માહિતીના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
ગત અઠવાડિયે ચેન્નઈની એક આઈટી એન્જિનિયરની ધમકીભર્યા ઈમેઇલ મોકલવા મામલે ધરપકડ કરવામાં આવી હોવા છતાં વડોદરામાં ધમકીઓનો સિલસિલો યથાવત છે. હાલ પોલીસ અને સાઇબર ક્રાઇમ વિભાગ ઈમેઇલના સૂત્રધાર સુધી પહોંચવા માટે ટેકનિકલ ટ્રેસિંગ શરૂ કરી ચૂક્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે