પાટણ, 4 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં નગરપાલિકા અને UGVCL દ્વારા કરવામાં આવેલા ખોદકામને કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઈન અને UGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન માટે શહેરના અનેક ભાગોમાં રસ્તાઓ ખોદવામાં આવ્યા છે.
ખોદકામ પછી રસ્તાઓનું યોગ્ય રીતે પુન:નિર્માણ ન થતા વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જાય છે, જેના કારણે નાના મોટા અકસ્માતો થાય છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. સાથે સાથે પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફેલાવાની દહેશત પણ છે.
નાગરિકોએ જણાવ્યુ છે કે નગરપાલિકા ડબલ વેરો વસૂલે છે છતાં પાયાની સુવિધાઓ પૂરતી આપી શકતી નથી. રજૂઆતો કરવા છતાં કોઇ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આક્રોશિત નાગરિકોએ ચેતવણી આપી છે કે તેઓ આગામી ચૂંટણીઓમાં મતદાન નહીં કરે અને વેરો પણ નહીં ભરાય જો તાત્કાલિક માર્ગ સમારકામ નહિ થાય. નાગરિકોની માંગ છે કે ખોદકામ કરેલા રસ્તાઓનું તુરત સમારકામ કરી તેઓને રાહત આપવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર