પાટણ, 4 જુલાઈ (હિ.સ.) : અંતે રાહતદાયક વરસાદે પાટણ શહેર અને જિલ્લામાં પોતાની હાજરી નોંધાવી છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો છે. શહેરમાં દિવસ દરમિયાન ઝાપટાં પડ્યા બાદ બપોરથી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. જિલ્લાના છેવાડાના તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ઉકળાટભર્યા વાતાવરણમાંથી લોકોને રાહત મળી છે.
ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. જમીનમાં પૂરતું ભેજ મળતા હવે તેઓ ખેતીકામ શરૂ કરવા તૈયાર થઈ ગયા છે.
આ વરસાદથી વાવણીની પ્રક્રિયા ઝડપભેર આગળ વધશે અને ખેડૂતોને આશા છે કે આગામી પાક સારો થશે. કુદરતે કહેલી સહાયથી ખેતીની સ્થિતિમાં સુધારો આવશે એવી આશા લોકોએ વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર