સુરત, 4 જુલાઈ (હિ.સ.)- સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી શાશ્વત સોસાયટીમાં ગુરુવારના રોજ એક નશામાં ધૂત ટ્રેલર ચાલકે વિજળીના ત્રણ GEB થાંભલા તોડી નાંખતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાના કારણે લગભગ 250 ઘરોમાં વીજ પુરવઠો બંધ થયો હતો.
હાદસો સર્જ્યા બાદ ટ્રેલર ચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોસાયટીના સતર્ક રહેવાસીઓએ તેનું પીછો કરીને તેને ઝડપી પાડ્યો અને તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે ટ્રેલર ચાલકને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ટ્રેલર ડ્રાઈવર દારૂના ઘોર નશામાં હતો અને તેનું વાહન નિયંત્રણ ગુમાવતાં થાંભલાઓ સાથે અથડાયું હતું. ઘટના બાદ વીજ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વિજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં વીજ પુરવઠો ધીરે ધીરે પુનઃસ્વસ્થ થતો જઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે