વડોદરા, 4 જુલાઈ (હિ.સ.)- વડોદરાના તુલસીવાડી ચોકડી પાસે કુંભારવાડા પોલીસે ચલાવેલી કાર્યવાહી દરમ્યાન એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે. પોલીસે મોડી રાત્રે મળેલી બાતમીના આધારે તત્કાલ તપાસ કરી અને એક લક્ઝરી બસની ડીકીમાંથી દારૂ અને બિયરની કુલ 682 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 1.95 લાખ થાય છે.
તપાસ દરમિયાન બસમાં હાજર ત્રણે શખ્સો ઈશ્વરસિંહ મોહનસિંહ રાવત, નારાયણ દેવીસિંહ રાવત અને શંકરસિંહ લાડુસિંહ રાવત—રાજસ્થાનના રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસે ત્રણેની ધરપકડ કરીને તેમના પાસેથી લક્ઝરી બસ, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 20.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વિદેશી દારૂની હેરાફેરી માટે લક્ઝરી બસનો ઉપયોગ થતાં પોલીસ હવે સમગ્ર નેટવર્કને શોધવા ટેકનિકલ તપાસ શરૂ કરી ચૂકી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે